જંગલો સળગી રહ્યા છે… લોકો મરી રહ્યા છે… એરપોર્ટના રનવે પીગળી રહ્યા છે… રસ્તાઓ પર ડામર ઓગળી રહ્યો છે… એટલું જ નહીં, ઘાસ પણ બળી રહ્યું છે… રસ્તાઓ પર સન્નાટો, જાણે શું ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે? અત્યારે હાલની સ્થિતિ યુરોપની આવી છે. સમગ્ર યુરોપ ભીષણ ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. બ્રિટનના ઈતિહાસમાં પહેલીવાર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. આ પહેલા છેલ્લું સૌથી વધુ તાપમાન 2019માં 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સ્પેન-પોર્ટુગલમાં ગરમીના કારણે એક હજારથી વધુ લોકોના મોત થયા છે.
બ્રિટનમાં ગરમી કેટલી હદે વધી ગઈ છે? તેનો અંદાજો એ વાત પરથી આવી શકે છે કે હાઉસ ઓફ કોમન્સ (સંસદ), જે તેની કડક શિસ્ત માટે જાણીતી છે તેણે સભ્યોને તેમની અનુકૂળતા મુજબ વસ્ત્ર પહેરવાની છૂટ આપી છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલે કહ્યું કે જો સાંસદો આ વધતી ગરમીમાં ટાઈ-સૂટ પહેરવા માંગતા નથી તો તે ના પહેરે.
રસ્તાઓ પીગળી રહ્યા છે, રનવે ઓગળી રહ્યા છે.
બ્રિટનમાં ગરમીના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ત્યાંની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. બ્રિટનમાં રસ્તાઓ પર ડામર ઓગળવા લાગ્યો છે. લ્યુટન એરપોર્ટનો રનવે પણ પીગળી ગયો છે. તે જ સમયે રેલ્વે ટ્રેક પણ વધતા તાપમાનને સહન કરવામાં અસમર્થ છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં લોકોને ટ્રેનમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે યુકેનું રેલ નેટવર્ક આ કાળઝાળ ગરમીનો સામનો કરી શકતું નથી. તેને અપગ્રેડ કરવામાં વર્ષો લાગશે. તેમણે કહ્યું કે જ્યારે પારો 40 ડિગ્રી સેલ્સિયસ હોય છે, ત્યારે ટ્રેકનું તાપમાન 50 ડિગ્રી, 60 ડિગ્રી અને 70 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેના કારણે પાટા ઓગળી શકે છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો ખતરો વધી જાય છે.
યુરોપ ગરમ થઈ રહ્યું છે
માત્ર બ્રિટન જ નહીં, ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ સહિત સમગ્ર યુરોપિયન દેશો સળગી રહ્યાં છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. શેરીઓમાં સન્નાટો છે. મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે એક-બે દિવસમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે. વધતી જતી ગરમીના કારણે જંગલમાં આગ લાગવાના બનાવો પણ વધ્યા છે. દક્ષિણ યુરોપના ભાગોમાં તાપમાન હવે થોડું ઘટી રહ્યું છે, પરંતુ સેંકડો જંગલો હજુ પણ બળી રહ્યાં છે. આગને કાબૂમાં લેવા માટે હજારો ફાયર ફાઈટર અહીં રોકાયેલા છે. અધિકારીઓનું કહેવું છે કે જંગલોમાં હજુ વધુ આગ લાગવાનો ભય છે.
કાર્લોસ III હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, સ્પેનમાં સતત 8 દિવસથી હીટવેવ ચાલી રહી છે. અહીં અત્યાર સુધીમાં 510 લોકોના મોત થયા છે. આ વર્ષે આગના કારણે 1.73 લાખ એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. પોર્ટુગલમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અહીં પણ 500 થી વધુ લોકોના મોત થયા છે.