તડકામાં નીકળશો તો પણ સ્કિન નહીં પડે બ્લેક, ગ્લો ટકાવી રાખવા કરો આ કામ
- સમર સીઝનમાં હેલ્થનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. હેલ્થનું ધ્યાન રાખવાની સાથે સાથે સમરમાં સ્કિન કેર પણ એક ચેલેન્જ બની જાય છે. જો તમને પણ આ વાત એક ચેલેન્જ લાગતી હોય તો અપનાવો કેટલીક ટિપ્સ
ગરમીના સમયમાં ઘર બહાર નીકળવું પણ જાણે એક ચેલેન્જ લાગે છે, પરંતુ ઘરમાં બેસીને થોડું ચાલે છે? દરેક વ્યક્તિને કામકાજ અર્થે બહાર તો નીકળવું જ પડતું હોય છે. સવારે 10 વાગ્યાથી જ ખૂબ તડકો પડી રહ્યો છે. સાંજ પડે ત્યાં સુધી તમે જો રસ્તા પર હો તો તમારે એ તાપનો સામનો કરવો પડે છે. તેમાં સૌથી પહેલી ચિંતા હેલ્થની થઈ આવે છે અને બીજી ચિંતા થાય છે સ્કિનની. ઉનાળાની ગરમીમાં વધુ પડતું ફરવાનું થાય ત્યારે ત્વચા કાળી પડી જાય છે. ચહેરાનો ગ્લો ગાયબ થઈ જાય છે.
ગરમીમાં શરીરમાં ડિહાઈડ્રેશન થવું પણ ખૂબ જ કોમન વસ્તુ છે. શરીરમાં પાણીની કમી થવાની અસર પણ સ્કીન પર પડે છે. તડકામાં નીકળીએ ત્યારે આ સમસ્યા વધુ થાય છે. ગરમીમાં ત્વચા પર એકસ્ટ્રા ઓઈલ પણ આવે છે, પરસેવો વધુ થાય છે. આવી સ્થિતિમાં સ્કિનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. જો તમે આ સમસ્યાઓથી બચવા ઈચ્છતા હો તો કેટલીક સરળ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.
ફોલો કરો આ સ્કિનકેર ટિપ્સ
સ્ક્રબ ન લગાવો
ચહેરા પરની ડેડ સ્કિનને દૂર કરવા માટે ઘણીવાર સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ચહેરાનો ગ્લો પરત ફરે, પરંતુ ઉનાળાના દિવસોમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્ક્રબ કરતી વખતે વધુ પડતું ઘસવાથી ત્વચાને નુકસાન પહોંચે છે કારણ કે સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે, તેથી માત્ર હળવા હાથે સ્ક્રબ કરો.
સનસ્ક્રીન લગાવો
ગરમીમાં સૂરજના યૂવી કિરણોથી ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. સનસ્ક્રીનની યોગ્ય પસંદગી જરૂરી છે. એવું સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ, જેનું એસપીએફ ઓછામાં ઓછું 50 હોય.
વિટામિન E લગાવો
ત્વચાને ચમકદાર બનાવવા માટે વિટામિન Eની કેપ્સ્યૂલ્સનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ ઉનાળામાં ત્વચાને ચમકદાર રાખશે. આ સિવાય તમે વિટામીન E ક્રીમ અને ફેસ વોશનો પણ ઉપયોગ કરી શકો છો.
મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ
ઘણા લોકો ઉનાળામાં મોઈશ્ચરાઈઝર લગાવવાનું ટાળે છે, જો કે મોઈશ્ચરાઈઝર ચહેરો ધોયા પછી જ લગાવવું જોઈએ. બજારની બ્યુટી પ્રોડક્ટ્સની જગ્યાએ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.
હેવી મેકઅપથી બચો
ગરમીના સમયમાં હેવી મેકઅપથી બચવું જોઈએ, તેના કારણે સ્કિનને નુકશાન થઈ શકે છે. સખત ગરમીના કારણે હેવી મેકઅપ લગાવ્યો હશે તો સ્કિન પર રિએક્શન આવી શકે છે. રાતે મેકઅપ હટાવવો જરૂરી છે. આ માટે યોગ્ય રીતે ફેસ ક્લિન કરવો જોઈએ.