USની કોલંબો યુનિવર્સિટીમાં આંદોલન ઉગ્ર બન્યું, વિદ્યાર્થીઓએ ઇઝરાયેલ સાથે વેપાર બંધ કરવાની આપી ચીમકી
ન્યૂયોર્ક (અમેરિકા), 25 એપ્રિલ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. વિદ્યાર્થીઓએ કૉલેજોને ઇઝરાયેલને સમર્થન આપતા રોકાણને બંધ કરવાની માંગ કરી છે. આ વિદ્યાર્થીઓની એવી પણ માંગ છે કે અમેરિકાએ ઇઝરાયેલ સાથે વેપાર કરવાનું બંધ કરવું જોઈએ. આ માંગને લઈને વિદ્યાર્થીઓ જોરશોરથી અભિયાન ચલાવી રહ્યા છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા અઠવાડિયે ઇઝરાયેલ સામે વિરોધ કરી રહેલા 100થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. મેસેચ્યુસેટ્સથી કેલિફોર્નિયા સુધી વિદ્યાર્થીઓ હવે કૉલેજ કેમ્પસમાં સેંકડોની સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે અને ટેન્ટ કેમ્પ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ છાવણી બનાવીને રહેશે.
વિદ્યાર્થીઓએ માંગને લઈને કરી રહ્યા છે વિરોધ
કોલંબિયા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા મહમૂદ ખલીલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 2002થી ઇઝરાયેલને સમર્થન આપતા રોકાણોને સમાપ્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, યુનિવર્સિટીએ ગાઝામાં થઈ રહેલા નરસંહાર વિશે કંઈક કરવું જોઈએ. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પ્રશાસન પાસે માગણી કરે છે કે ઇઝરાયેલને શસ્ત્રો સપ્લાય કરતા મિલિટરી આર્મ્સ ઉત્પાદકો સાથે બિઝનેસ કરવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર 7ના રોજ ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા પછી કેમ્પસમાં વિરોધ શરૂ થયો. તે દરમિયાન ગાઝાના ઈસ્લામિક આતંકવાદીઓએ લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી અને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા.
આ પણ વાંચો: હમાસના હુમલાઓને રોકવામાં રહ્યા નિષ્ફળ, ઇઝરાયેલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફે આપ્યું રાજીનામું