મુંબઈના 1.84 કરોડની ઠગાઈ કેસમાં ASIએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો
સુરત, 24 એપ્રિલ 2024, મુંબઈના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઈકો સેલની પોલીસે વેપારીના ભાગીદારને ઝડપી લીધો હતો. તેની ઓફિસમાંથી કબજે કરેલો સામાન તેને પરત આપવા ઈકો સેલના ASI સાગર પ્રધાને 15 લાખ રૂપિયા લાંચની માગ કરી હતી. એ પૈકી પાંચ લાખ રૂપિયા આપવાનું કહેતાં વેપારીએ ACBને જાણ કરી દીધી હતી. કતારગામ ખાતે ASIના ભાઈને આ લાંચની રકમ લેતાં ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. જોકે ASI સાગર ભાગી છૂટ્યો છે.
સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી ગયો
મુંબઈના લોઅર પરેલમાં પ્રીઝમ એન્ટરપ્રાઈઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામના વસ્તાદેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘનાએ સસ્તી મજૂરી લઇ સોનામાંથી દાગીના ઘડી આપવાનું કહ્યું હતું. કુલ 1.84 કરોડ રૂપિયાની મત્તાનું 3 કિલો સોનું જોબવર્ક માટે લઈ જઈ દાગીના કે સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી ગયો હતો, જેની ફરિયાદ મહારાષ્ટ્ર એન.એમ.જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેની બાતમી ઈકો સેલના એએસઆઈ સાગર એસ.પ્રધાનને મળતાં તેમની ટીમ સાથે મળી મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘની ધરપકડ કરી હતી.આ ગુનામાં ઈકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારની પણ ધરપકડ કરાઈ હતી.
ACBએ 5 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો
ASI સાગર પ્રધાને ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લીધાં હતાં.બાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલ-સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી. વેપારી લાંચ આપવા માગતો નહોતો. ASIએ 15 લાખ પૈકી 5 લાખ આપવાનું કહેતાં વેપારીએ તૈયારી બતાવી હતી, પરંતુ લાંચની રકમ નહીં આપવા માગતા વેપારીએ ACBને જાણ કરી હતી.સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઈનીઝ દુકાનની સામે મોકલ્યો હતો, જ્યાં ACBએ 5 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. ASI સાગર ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃમિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાયાં, 7 વીઘામાં તૈયાર શેરડીનો પાક સળગાવી નાખ્યો