ટ્રેન્ડિંગનેશનલ

નકલી એરબેગના વેચાણ દ્વારા લોકોનું જીવન જોખમમાં મૂકનાર ગેંગ ઝડપાઈ

દિલ્હી, 24 એપ્રિલ: કારમાં આપવામાં આવતી એરબેગ મુસાફરોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. અકસ્માતના કિસ્સામાં મુસાફરોને સુરક્ષિત રાખવા માટે તે તાણ શક્તિ ધરાવતી વિશેષ સામગ્રી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ તાજેતરમાં દિલ્હી પોલીસે નકલી એરબેગનું વેચાણ કરી લોકોનું જીવન જોખમમાં મૂકનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.

મારુતિ સુઝુકીથી માંડી BMW સુધીની બનાવતા હતા નકલી એરબેગ

તાજેતરમાં, દિલ્હી પોલીસે એક ગેંગની ધરપકડ કરી છે જે ગેરકાયદેસર રીતે નકલી એરબેગ બનાવતી અને વેચતી હતી. છેલ્લા 4 વર્ષથી દિલ્હીમાં રહેતી આ ગેંગ મારુતિ સુઝુકી, BMW અને ફોક્સવેગન સહિત અનેક મોટી બ્રાન્ડના નામે નકલી એરબેગ બનાવતી હતી. હાલ પોલીસે આ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે દરોડામાં અંદાજે રૂ. 1.84 કરોડની કિંમતની 921 કાઉન્ટર ફીટ કરેલી એરબેગ પણ જપ્ત કરી છે.

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્ય દિલ્હીમાં માતા સુંદરી રોડ નજીક એક વર્કશોપમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આ ગેંગ ભારતમાં વેચાતી લગભગ તમામ બ્રાન્ડની નકલી એરબેગ બનાવતી હતી. દરોડા દરમિયાન પોલીસને મારુતિ સુઝુકી, ફોક્સવેગન, BMW, સિટ્રોએન, નિસાન, રેનો, મહિન્દ્રા, ટોયોટા, હોન્ડા, ટાટા મોટર્સ, ફોર્ડ, કિયા, સુઝુકી, હ્યુન્ડાઈ અને વોલ્વો સહિત 16 બ્રાન્ડની એરબેગ મળી આવી હતી.

 

આ મામલે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર એમ. હર્ષ વર્ધનનું કહેવું છે કે, ‘તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે. આ ટોળકી છેલ્લા 3-4 વર્ષથી કાઉન્ટર ફિટ એરબેગ બનાવતી હતી. તેમની પાસે આ એરબેગ બનાવવાની સત્તા નહોતી.’ આ કિસ્સામાં પોલીસ આ વાહન ઉત્પાદક કંપનીઓ સાથે પણ સંપર્કમાં છે જેથી કરીને તે ચકાસી શકાય કે આ એરબેગ પ્રમાણભૂત નિયમો અનુસાર બનાવવામાં આવી હતી કે નહીં. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ આરોપીઓ આ નકલી એરબેગ દેશભરની વર્કશોપમાં મોકલતા હતા.

નકલી એરબેગ કેવી રીતે ઓળખવી?

સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે નકલી એરબેગથી કેવી રીતે બચવું. સામાન્ય રીતે તમે કારમાં ફીટ કરેલી એરબેગને ઉપરથી જોઈને ઓળખી શકતા નથી. કારણ કે એરબેગ કારની બોડીની અંદર સ્થાપિત હોય છે. પરંતુ જો તમારી કારમાં એરબેગ બદલવાની જરૂર હોય, તો કેટલાક મુદ્દાઓ છે જે ધ્યાનમાં લઈ શકાય છે અને તપાસી શકાય છે.

યુનિક પાર્ટ નંબર

દરેક એરબેગ પર એક યુનિક પાર્ટ નંબર આપવામાં આવે છે. તમારે આ નંબરોને કાર ઉત્પાદકના ડેટા બેઝ સાથે મેચ કરવા જોઈએ. જેનો ઉપયોગ તેમની સત્યતાની પુષ્ટિ કરવા માટે કરી શકાય છે. જો પાર્ટ નંબર મેળ ખાતો નથી, તો એરબેગ નકલી હોવાની શક્યતા છે.

ટેંપરિંગ અને નુકસાન

નકલી એરબેગની ફિનિશિંગ અને ફિટિંગ એટલી સારી નથી. નકલી એરબેગ ઘણીવાર હલકી ગુણવત્તાની સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને તેમાં દેખાતા વસ્ત્રો અથવા ક્ષતિગ્રસ્ત ભાગો હોઈ શકે છે. લેબલીંગ, સ્ટીચીંગ અને સામગ્રી તેમજ ફિટમેન્ટની ગુણવત્તા જુઓ.

નકલી એરબેગથી કેવી રીતે બચવું?

સામાન્ય માણસ માટે નકલી એરબેગને ઓળખવી સરળ નથી. કારણ કે તે બહારના ભાગમાં ફીટ કરવામાં નથી આવતી, તેને ગાડીના અંદરના ભાગમાં ફીટ કરવામાં આવે છે. જેથી તમે તેને ક્યારેય જોઈ પણ નથી શકતા. તેથી તેને ઓળખવામાં છેતરપિંડી થઈ શકે છે. તેથી, અહીં અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે નકલી એરબેગની છેતરપિંડીથી બચી શકો છો.

  1. કારની એરબેગમાં કોઈપણ પ્રકારની ખામીને તપાસવા માટે, તેને હંમેશા સત્તાવાર સેવા કેન્દ્ર પર જ તપાસો.
  2. સામાન્ય રોડસાઇડ વર્કશોપમાં એરબેગ બદલવાની ભૂલ ક્યારેય ન કરો.
  3. એરબેગ ઓનલાઈન ખરીદવાનું ટાળો. આજકાલ ઘણી ઓનલાઈન શોપિંગ સાઈટ છે જે ઓછી કિંમતની લાલચ આપીને નકલી એરબેગ વેચી રહી છે.
  4. સોશિયલ મીડિયા પર પણ ઓછી કિંમતની અને સસ્તી એરબેગ મળતી હોય છે તેને લાલચમાં આવીને ખરીદવાનું ટાળો.

આ પણ વાંચો: સ્ક્રેપ માફિયા રવિ કાનાની ગર્લફ્રેન્ડ સાથે થાઈલેન્ડમાં ધરપકડ, એક કેસે ખુલ્લો પાડ્યો ગોરખ ધંધો

Back to top button