પિત્રોડાના નિવેદનથી જેનો વિવાદ છેડાયો છે એ વારસાગત ટેક્ષ ખરેખર શું છે?
નવી દિલ્હી, 24 એપ્રિલ, 2024: જાતિ આધારિત સરવે બાદ હિન્દુઓની મિલકતોનો એક્સરે કરાવવા જેવા વિવાદિત નિવેદન બાદ ભારતની ચૂંટણીમાં હવે વારસાગત ટેક્સનો મુદ્દો ચગ્યો છે. રાહુલ ગાંધીના વિશ્વાસુ અને અમેરિકી નાગરિક એવા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આ વારસા કર અંગે આજે બુધવારે કંઈક એવું કહ્યું જેણે ભારતમાં રાજકીય ખળભળાટ મચાવ્યો. પિત્રોડાના આ અવિચારી નિવેદનથી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી અને કોંગ્રેસ પક્ષ બેકફૂટ પર આવી ગયો. આ બધાની વચ્ચે મુદ્દો એ છે કે, આ વારસાગત અથવા પૈત્રૃક સંપત્તિ શું છે અને એને તેના ઉપર ટેક્સ લેવાની વાત કોંગ્રેસ કેમ કરે છે?
વારસાગત કર વાસ્તવમાં એક એવો કર છે જે મિલકત પર વસૂલવામાં આવે છે, પરંતુ તે સંપત્તિ કર નથી. વારસાગત કરનો ઉલ્લેખ મુખ્યત્વે અમેરિકામાં થાય છે. અમેરિકન પરિભાષા મુજબ, આ એવો કર છે જે વ્યક્તિના મૃત્યુ પછી વારસદારોને મળવાપાત્ર મિલકત પર લાદવામાં આવે છે. આ ટેક્સ વારસામાં મળેલી મિલકત ટ્રાન્સફર કરતાં પહેલાં લગાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ કી લૂંટઃ જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી, પિત્રોડાના નિવેદન પર PM મોદીનો પ્રહાર
અમેરિકામાં આ ટેક્સનો દર 40 ટકા છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ તેના સમગ્ર જીવન દરમિયાન જે કંઈપણ કમાય છતાં તેના વારસદારોને તે સંપૂર્ણ રકમ વારસામાં મળી શકે નહીં. ધારો કે, એક કરોડ રૂપિયાની મિલકત છે, જે વારસદારોને મળવી જોઈએ. પરંતુ અમેરિકામાં વ્યક્તિના મૃત્યુ બાદ વારસદારોના નામે મિલકત ટ્રાન્સફર થાય તે પહેલા તેના પર 40 લાખ રૂપિયાનો ટેક્સ લાગશે. મતલબ કે માત્ર 60 લાખ રૂપિયાની મિલકત જ વારસદારોને આપવામાં આવશે. જો વારસદારોની સંખ્યા બે અથવા ત્રણ હોય તો દરેકના હિસ્સામાં આવનારી મિલકતની રકમ અનુસાર ટેક્સ વસૂલવામાં આવશે. અને અમેરિકામાં વસતા કોંગ્રેસી નેતા સામ પિત્રોડા ભારતમાં આવી પ્રથા દાખલ કરવા માગે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ઘણા દેશોમાં સરકાર દ્વારા આટલા ભારે ટેક્સ શા માટે લાદવામાં આવે છે? સરકારનો આવો ટેક્સ લાદવાનો મુખ્ય ઉદ્દેશ્ય આવક પેદા કરવાનો છે. સરકારનો બીજો ઉદ્દેશ્ય સમાજમાં વધુ મૂડીનું વિતરણ કરવાનો છે. અર્થાત જે લોકો મહેનત કરીને વધારે કમાય છે તેમની પાસેથી લઈને જેઓ ઓછી મહેનત કરીને ઓછું કમાય છે તેમને આપી દેવાનું. ઘણા દેશોની સરકારો ઈચ્છે છે કે તમામ મૂડી થોડા લોકોના હાથમાં મર્યાદિત ન રહે. તેને વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશન કહેવામાં આવે છે. અમેરિકા ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાન્સ, સ્પેન અને આયર્લેન્ડ જેવા દેશોમાં આવો વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે જે અંદાજે સરેરાશ 50 ટકાની આસપાસ હોય છે.
ભારતમાંથી આ ટેક્સ ક્યારે અને શા માટે દૂર કરવામાં આવ્યો?
ભારતમાં હવે વારસાગત કર લાદવામાં આવતો નથી. રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1985માં તે નાબૂદ કરવામાં આવી હતી. તત્કાલીન નાણામંત્રી વી.પી. સિંઘનો અભિપ્રાય હતો કે તે સમાજમાં સંતુલન લાવવામાં અને સંપત્તિના તફાવતને ઘટાડવામાં આ કાયદો નિષ્ફળ ગયો છે, તેથી તેના નાબૂદ કરવામાં આવ્યો હતો.