ધગધગતા જ્વાળામુખીના કિનારે પોઝ આપવા પહોંચેલી મહિલાનું પછી શું થયું?
જકાર્તા (ઇન્ડોનેશિયા), 24 એપ્રિલ: જ્વાળામુખી પાસે ફોટો પડાવતી વખતે ચીનની એક મહિલાનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર,’બ્લૂ ફાયર’ માટે પ્રખ્યાત ઇન્ડોનેશિયન જ્વાળામુખીના કિનારે 31 વર્ષીય ચાઈનીઝ મહિલા ઊભી રહીને ફોટા માટે પોઝ આપી રહી હતી. ત્યારે તે એકાએક જ્વાળામુખીના અંદર પડી જતા આગની જ્વાળામાં જીવ ગુમાવ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, શનિવારે આ ઘટના બની હતી, જ્યારે હુઆંગ લિહોંગ નામની મહિલા તેના પતિ સાથે ગાઈડેડ ટૂર પર હતી. પોલીસે જણાવ્યું કે, આ કપલ સનરાઈઝ જોવા માટે વોલ્કેનો ટુરિઝમ પાર્કના કિનારે ચડ્યા હતા.
ચેતવણી આપ્યા છતાં મહિલા જ્વાળામુખી પાસે પહોંચી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા 75 ફૂડના ખાડામાં પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ટૂર ગાઈડે જણાવ્યું કે ફોટોગ્રાફ્સ લેતી વખતે જોખમો વિશે વારંવાર ચેતવણી આપ્યા છતાંય લિહોંગ વધુ સારો શૉટ લેવા પાછળની તરફ ગઈ. જો કે, તે પછી પાછળની તરફ ચાલવા લાગી અને અકસ્માતે તેનો પગ ડ્રેસમાં ફસાઈ ગયો, જેના કારણે તે લપસી ગઈ અને જ્વાળામુખીમાં પડી ગઈ. લિહોંગના મૃતદેહને કાઢવામાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો.
ઇજેન જ્વાળામુખી વાદળી આગ અને રોશની માટે પ્રખ્યાત
મહત્ત્વનું છે કે, ઇજેન જ્વાળામુખી સલ્ફ્યુરિક ગેસમાંથી નીકળતી વાદળી રોશની અને વાદળી આગ માટે જાણીતું છે. ઇન્ડોનેશિયા લગભગ 130 સક્રિય જ્વાળામુખીનું ઘર છે. સમયાંતરે ગેસ ઉત્સર્જન હોવા છતાં, માઉન્ટ ઇજેન એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. જો કે, 2018માં જ્વાળામુખીમાંથી ઝેરી ગેસ છોડવાને કારણે મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર ખાલી કરવા મજબૂર બન્યા હતા અને ઓછામાં ઓછા 30 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માઉન્ટ ઇજેન નિયમિતપણે ઓછી માત્રામાં હાનિકારક ગેસ છોડે છે પરંતુ તે આ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પૈસાનો વરસાદ કરતો જ્વાળામુખી! દરરોજ 5 લાખ રૂપિયાનું સોનું કરી રહ્યો છે ઉત્પન્ન