અરુણાચલ પ્રદેશના 8 પોલિંગ બૂથ પર આજે ફરી મતદાન, 19 એપ્રિલે થઈ હતી હિંસા
ઈટાનગર (અરુણાચલ પ્રદેશ), 24 એપ્રિલ: અરુણાચલ પ્રદેશના આઠ પોલિંગ બૂથ પર ફરી એકવાર મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી 2024 અને વિધાનસભાની ચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તોડફોડ અને EVM છીનવી લેવાના પ્રયાસો બાદ ચૂંટણી પંચે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. આ જ કારણ છે કે અરુણાચલ પ્રદેશમાં આઠ મતદાન મથકો પર પુનઃ મતદાન કરાવવામાં આવી રહ્યું છે. 19 એપ્રિલે,લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે એક સાથે મતદાન દરમિયાન EVM ને નુકસાન અને હિંસાની ઘટના બની હતી.
પ્રથમ તબક્કામાં વોટિંગ દરમિયાન થઈ હતી હિંસા
રવિવારે એક આદેશમાં ચૂંટણી પંચે રાજ્યના આઠ પોલિંગ બૂથ પર મતદાન રદબાતલ જાહેર કર્યું હતું અને 24 એપ્રિલે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. જે આઠ પોલિંગ બૂથ પર પુનઃ મતદાન થઈ રહ્યું છે તેમાં પૂર્વ કામેંગ જિલ્લાની બામેંગ વિધાનસભા બેઠક હેઠળના સરિયો અને કુરુંગ કુમેની ન્યાપિન વિધાનસભાની લોંગટો લોથનો સમાવેશ થાય છે. અપર સુબાનસિરી જિલ્લાના નાચો વિસ્તાર હેઠળના ડીંગસર, બોગીયા સિયમ, જીમ્બરી અને લેંગી મતદાન મથકો પર પણ મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત સિયાંગ જિલ્લાના રમગોંગ વિધાનસભા મતવિસ્તાર હેઠળના બોગને અને મોરોન મતદાન મથકો પર પણ પુનઃ મતદાન થઈ રહ્યું છે.
અરુણાચલના 8 પોલિંગ બૂથ પર આજે ફરી મતદાન
ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોની વિધાનસભા માટે 50 ધારાસભ્યોને ચૂંટવા માટે મતદાન થયું હતું, જેમાં અંદાજિત 76.44% મતદારોએ 19 એપ્રિલે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સત્તાધારી ભાજપે 10 વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી લીધી છે.
આ પણ વાંચો: ગુજરાતના 5 કરોડ લોકો લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર