સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં? પોસ્ટ કરીને આપ્યો જવાબ
- વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડી સુનીલ નારાયણની T20 વર્લ્ડ કપમાં વાપસીની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે સુનીલ નારાયણે પોતે પોસ્ટ કરીને આ ચર્ચાનો અંત લાવ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 23 એપ્રિલ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના શાનદાર પ્રદર્શનનું મુખ્ય કારણ સુનીલ નારાયણ છે. સુનીલ નારાયણને આ સિઝનમાં KKR ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાની તક મળી છે, જેનો પૂરો ફાયદો ઉઠાવીને તેણે અત્યાર સુધી 7 મેચમાં 40.86ની એવરેજથી 286 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. સુનીલના આ પ્રદર્શનને જોઈને આગામી T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં તેની વાપસીને લઈને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે સુનીલ નારાયણે પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને આ ચર્ચાનો અંત લાવ્યો છે. સુનીલ નારાયણે પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તે ફરીથી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં રમતો જોવા મળશે કે નહીં.
મેં લીધેલા નિર્ણય પર હું અડગ છું: સુનીલ નારાયણ
સુનીલ નારાયણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘મને આશા છે કે તમે બધા સ્વસ્થ હશો. હું ખુશ છું કે તમે બધા મારા તાજેતરના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છો. મારું પ્રદર્શન જોયા પછી, તમારામાંથી ઘણા લોકોએ મને નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લેવા અને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા કહ્યું છે. પરંતુ હું તમને બધાને સ્પષ્ટ કરવા માંગુ છું કે તે સમયે મેં જે નિર્ણય લીધો હતો તેના પર હું હજુ પણ અડગ છું. જે ખેલાડીઓએ છેલ્લા કેટલાક મહિનામાં સખત મહેનત કરી છે તેઓને આગામી T20 વર્લ્ડ કપમાં રમવાનો અધિકાર છે અને તેમની પાસે તે કરી બતાવવાની તક છે કે તેઓ ટીમને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. હું તમને શુભેચ્છા પાઠવું છું.’
View this post on Instagram
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને પણ અપીલ કરી હતી
IPL 2024માં સુનીલ નારાયણે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સદી ફટકારી હતી, આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમનો કેપ્ટન રોવમેન પોવેલ રાજસ્થાન તરફથી રમી રહ્યો હતો. આ મેચ પછી તેણે નારાયણની વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં વાપસીને લઈને નિવેદન આપ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી સુનીલ નારાયણને પોતાની ટીમમાં આવવા માટે વાત કરી રહ્યો છે. પરંતુ તે કોઈની વાત સાંભળી રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘મેં તેના નજીકના લોકો કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો અને નિકોલસ પૂરનને પણ તેની વાપસી વિશે પૂછ્યું હતું.’
- આ વખતે T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે રમશે.
આ પણ વાંચો: IPL 2024 Points Table: 3 ટીમો પ્લેઓફની ખૂબ નજીક, 2ની વાર્તા લગભગ પૂરી