ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી દરમિયાન ઑનલાઇન પેમેન્ટ પર રહેશે RBIની નજર, જારી કરી આ ગાઈડલાઇન્સ

Text To Speech

નવી દિલ્હી, 23 એપ્રિલ: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) એ નૉન-બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ્સના દુરુપયોગ પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. RBIએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને મોટી રકમના વ્યવહારો અથવા શંકાસ્પદ વ્યવહારોને ટ્રૅક કરવા અને તેની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ચૂંટણી દરમિયાન ઑનલાઈન પેમેન્ટને લઈને ચિંતિત

RBIનું કહેવું છે કે ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટના ઉપયોગને લઈને ચિંતિત છે. ચૂંટણી પંચનું માનવું છે કે ઑનલાઈન પેમેન્ટનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી ફંડ ટ્રાન્સફર કરવા અથવા ચૂંટણી લડતા ઉમેદવારોને પૈસા આપવા માટે થઈ શકે છે. આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે RBIએ ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટ પર દેખરેખ રાખવા માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બેન્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે RBIના નિર્દેશોનો હેતુ ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને ફંડ ટ્રાન્સફર રોકવાનો છે.

રિઝર્વ બેન્કે શું લખ્યું છે?

15 એપ્રિલ 2024ના રોજ લખેલા પત્રમાં રિઝર્વ બેન્કે Payment System Operators (PSOs)ને મતદારોને પ્રભાવિત કરવા અથવા ચૂંટણી ઉમેદવારોને આડકતરી રીતે નાણાં આપવા માટે ઈ-ફંડ ટ્રાન્સફર સિસ્ટમનો સંભવિત દુરુપયોગ અટકાવવા જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને પ્રભાવિત કરવા માટે ચૂકવણીની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. શક્ય છે કે કોઈ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ મતદારોને ઑનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકે જેથી મતદાર ચોક્કસ ઉમેદવારની તરફેણમાં મત આપે.

આ પણ વાંચો: હવે તમે UPI દ્વારા રોકડ જમા કરાવી શકશો, RBIએ કરી મોટી જાહેરાત

Back to top button