USમાં માર્ગ અકસ્માતમાં તેલંગાણાના બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ, પરિવારોએ ભારત સરકારથી કરી અપીલ
કોલિફોર્નિયા (અમેરિકા), 23 એપ્રિલ: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેલંગાણાના બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. બંને યુવકો ત્યાં ભણતા હતા. અકસ્માત અંગે બંને યુવકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 19 વર્ષીય નિવેશ મુક્કા અને ગૌતમ કુમાર પારસીનું શનિવારે રાત્રે પિયોરિયામાં મૃત્યુ થયું હતું. બંને કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમની કાર સામેથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યાં હતા.
તેલંગાણાના બે વિદ્યાર્થીઓનાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ
નિવેશ મુક્કા તેલંગાણાના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરનો રહેવાસી હતો. ગૌતમ કુમાર જાનગાંવ જિલ્લાના ઘનપુર સ્ટેશનનો રહેવાસી હતો. બંને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. અકસ્માત સમયે બંને મિત્રો સાથે યુનિવર્સિટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક કારે તેમના વાહનને ટક્કર મારી હતી.
પીડિત પરિવારોએ ભારત સરકારને અપીલ કરી
આ અકસ્માતમાં નિવેશ અને ગૌતમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. નિવેશના માતા-પિતા નવીન અને સ્વાતિ વ્યવસાયે ડૉક્ટર છે. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ મૃતદેહને ઘરે લાવવા માટે ભારત સરકારને મદદની અપીલ કરી છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના કેમ થઈ રહ્યા છે સતત મૃત્યુ, રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો