વડોદરાની સગર્ભા યુવતીને સાસરિયાએ માર મારતા ગર્ભપાત, જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી
વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણિતાને સાસરિયાએ સગર્ભા હોવા છતાં શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો તેમજ દહેજની માંગણી કરી તરછોડ્યા ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નિકાહ ચાણસદ ખાતે બિલાલ હસનભાઇ ઘાંચી સાથે જૂન 2020માં થયા હતા. નિકાહના થોડા મહિના બાદ સાસરિયાને જાણ થઇ હતી કે, પરિણીતાના નામે તેના પિતાએ બે લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મુકી છે. જેથી પતિ, સાસુ-સસરા અને નણંદ દ્વારા નાની નાની વાતોમાં મ્હેણા ટોણા મારી તારા બાપે લગ્નમાં ઓછું દહેજ આપ્યું છે. જેથી તારે રૂપિયા લાવવા પડશે કહી શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન પરિણીતા ગર્ભવતી થતાં સાસરીવાળાએ ખુશ થવાને બદલે ઝઘડો કરી કહ્યું હતું કે, તારા બાપે ઓછું દહેજ આપ્યું છે અને અમારાથી તારુ પૂરું થતું નથી અને તું બીજું લાવવાની વાત કરે છે. અમારી પાસે તારા બાપે ખજાનો ભરી આપેલો નથી. સગર્ભા અવસ્થા દરમિયાન જ્યારે પરિણીતાને દવાખાને જવું પડે ત્યારે પણ પિયરમાંથી માતાને સાથે લઇને સ્વખર્ચે જવું પડતું.
પરિણિતાને સાતમો મહિનો ચાલતો હતો ત્યારે શ્રીમંત કરવા મુદ્દે સાસુ સહિતના સાસરીયાઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પરિણિતાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ જતાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમને મિસકેરેજ થઇ ગયું છે. આ ઘટના બાદ સાસરિયાઓએ પરિણિતાને ખાતરી આપી હતી કે તેઓ તેને હેરાન પરેશાન નહીં કરે અને તેને તેડી ગયા હતા.
જો કે પરિણીતાને સાસરિયાઓએ થોડા મહિના બાદ ફરી હેરાનગતિ શરૂ કરી હતી. લગ્નમાં બહાર જવાનું હોવાથી પરિણીતાએ સાસુ પાસે પોતાના દાગીના માંગતા સાસુએ કહ્યું હતું કે, અમારે દેવું વધી જતાં દાગીના વેચી દીધા છે. તેમજ જો હવે પોલીસ સ્ટેશનમાં તેમના સામે તેણે કોઇ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણિતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.