હમાસના હુમલાઓને રોકવામાં રહ્યા નિષ્ફળ, ઇઝરાયેલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફે આપ્યું રાજીનામું
- ચીફ અહારોન હલિવાએ હમાસ દ્વારા થઈ રહેલા હુમલા રોકવાની લીધી હતી જવાબદારી
- હુમલાને રોકવામાં નિષ્ફળતા મળતા પોતાના પદેથી અહારોન હલિવાએ આપ્યું રાજીનામું
ઇઝરાયેલ, 22 એપ્રિલ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઈઝરાયેલના મિલિટરી ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ અહારોન હલિવાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને રોકવામાં નિષ્ફળતાને કારણે હલીવાએ આ પગલું ભર્યું છે. હલિવા યુદ્ધ વચ્ચે રાજીનામું આપનાર પ્રથમ વરિષ્ઠ ઇઝરાયેલ અધિકારી છે. તેમણે ઓક્ટોબરમાં હુમલા બાદ તરત જ કહ્યું હતું કે હુમલાને રોકવાની જવાબદારી તેમની છે પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ઈઝરાયેલની સેનાએ શું કહ્યું?
ઇઝરાયેલી સેનાએ સોમવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલાને લઈને તેના ગુપ્તચર કોર્પ્સના વડાએ રાજીનામું આપી દીધું છે. ઇઝરાયલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફ અહારોન હલીવા હમાસના હુમલાની નિષ્ફળતા પર રાજીનામું આપનાર પ્રથમ વરિષ્ઠ ઇઝરાયેલ અધિકારી છે. હલિવાએ અગાઉ કહ્યું હતું કે તેમણે આ હુમલાને રોકવાની જવાબદારી લીધી છે, જેણે ઇઝરાયેલની સુરક્ષાનો ભંગ કર્યો હતો.
હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો
7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓના હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી ચાલુ છે. હવે હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના સતત હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની સંખ્યા વધીને 34,097 થઈ ગઈ છે. 24 કલાક દરમિયાન, ઇઝરાયલી દળોએ 48 પેલેસ્ટાઈનીઓને માર્યા અને 79 અન્ય ઘાયલ થયા છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયો ત્યારથી આનાથી કુલ મૃત્યુઆંક 34,097 અને 76,980 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ઈરાનના પ્રમુખનું રેડ કાર્પેટ સ્વાગત, યુદ્ધના માહોલ વચ્ચે સૂચક મુલાકાત