જેલ તંત્ર ખોટું બોલે છે, હું તો દરરોજ ઈન્સ્યુલિન માગું છુંઃ અરવિંદ કેજરીવાલ
- જેલના સુપરિન્ટેન્ડન્ટને પત્ર લખીને પોતાના આરોગ્ય વિશે અને મેડિકલ જરૂરિયાત વિશે જાણકારી આપી
નવી દિલ્હી, 22 એપ્રિલ, 2024: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શુગર લેવલ અને ઇન્સ્યુલિનની જરૂરિયાતના મુદ્દે જેલના સુપરિન્ટેન્ડન્ટને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ માહિતી આપી હતી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખ્યો છે. પત્રમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં અખબારમાં તિહાર જેલ તંત્રનું નિવેદન વાંચ્યું, મને નિવેદન વાંચીને દુઃખ થયું છે, તિહાર જેલ પ્રશાસનના બંને નિવેદન ખોટાં છે. કેજરીવાલે કહ્યું કે હું દરરોજ ઇન્સ્યુલિન માંગું છું.
તિહાર જેલના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના એક વરિષ્ઠ ડૉક્ટરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના સ્વાસ્થ્ય અંગે સલાહ આપી હતી. દરમિયાન, તિહાર જેલ પ્રશાસને રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે ન તો ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ન તો વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ડૉક્ટરો દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
દરરોજ ઇન્સ્યુલિનની માંગણી
સીએમ કેજરીવાલે પત્રમાં કહ્યું કે તિહાર જેલતંત્રનું પહેલું નિવેદન હતું કે, અરવિંદ કેજરીવાલે ક્યારેય ઈન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. હું છેલ્લા 10 દિવસથી સતત ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવી રહ્યો છું, દિવસમાં ઘણી વખત તેને ઉઠાવું છું. જ્યારે પણ કોઈ ડૉક્ટર મને મળવા આવતા, ત્યારે મેં તેમને કહ્યું કે મારું સુગર લેવલ ખૂબ ઊંચું છે. મેં ગ્લુકો મીટરનું રીડિંગ બતાવ્યું અને કહ્યું કે દિવસમાં ત્રણ વખત પીક હોય છે અને સુગર લેવલ 250-320 ની વચ્ચે જાય છે. મેં કહ્યું કે ઉપવાસમાં શુગર લેવલ 160-200 પ્રતિ દિવસ છે. મેં દરરોજ ઇન્સ્યુલિન માંગ્યું છે. તો તમે આ ખોટું નિવેદન કેવી રીતે આપી શકો કે કેજરીવાલે ક્યારેય ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો નથી?
સીએમએ કહ્યું કે તિહાર પ્રશાસન ખોટું બોલી રહ્યું છે
તિહાર પ્રશાસનનું બીજું નિવેદન હતું કે એઈમ્સના ડૉક્ટરે ખાતરી આપી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ પણ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. AIIMSના ડૉક્ટરે આવી કોઈ ખાતરી આપી ન હતી. તેમણે સુગર લેવલ અને મારા સ્વાસ્થ્યને લગતા સંપૂર્ણ ડેટા માંગ્યા અને કહ્યું કે તે ડેટા જોયા અને તેનું વિશ્લેષણ કર્યા પછી પોતાનો અભિપ્રાય આપશે. તિહાર જેલ પ્રશાસન તરફ ઈશારો કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે રાજકીય દબાણમાં તમે ખોટાં નિવેદનો આપ્યાં છે. મને આશા છે કે તમે કાયદા અને બંધારણનું પાલન કરશો.
આ પણ વાંચોઃ પત્નીની નજર સામે કર્યું દુષ્કર્મ અને પછી ધર્માંતર માટે દબાણઃ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ