સુરતમાં ખેલ ખતમ? હવે BSPના ઉમેદવાર પ્યારેલાલ વડોદરાથી સંપર્ક વિહોણા
સુરત, 22 એપ્રિલ 2024, રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. આજે કોંગ્રેસ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની સાથે તેમની બેદરકારી છતી થઇ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે અપક્ષ સહિત કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે.કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ હવે અપક્ષ અને અન્ય પાર્ટીઓના ઉમેદવારોને મનાવી લેવા માટે ભાજપે એક ટીમ મેદાનમાં ઉતારી છે. જેમાં સાત ઉમેદવારો માની ગયાં છે પરંતુ BSPના ઉમેદવાર પ્યારેલાલ સંપર્ક વિહોણા થતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગઈકાલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું
સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયાં છે. છેલ્લા એક કલાકથી વધુના સમયથી તેમના પરિજનો તેમજ પાર્ટીના લોકો તેમનો સંપર્ક કરી રહ્યાં છે. તેઓની 12 વાગ્યાની આસપાસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વાતચીત થઈ હતી, ત્યાર બાદથી કોઈ અતોપતો નથી. ગઈકાલે પ્યારેલાલ ભારતી અને તેમના ફેમિલીના લોકો વડોદરામાં અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા. જે પછીથી હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમની પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યારેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. ગઈકાલે સુરત કલેકટરે અને પોલીસને પત્ર લખ્યો હતો.
સાત ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થાય તો નવાઈ નહીં. કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે, જેમાં સાત માની માની ગયાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.રવિવારે મોડી રાત સુધી આ 8 ઉમેદવારો સોમવારે ફોર્મ પાછા ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી સાત ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોનું કહેવું છે. જે ત્રણ ઉમેદવારો માની રહ્યા નથી તેમને પણ યેનકેન પ્રકારે બેસાડી દેવા મથામણ ચાલી રહી છે. જો આઠેય ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી લે તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃસુરતમાં જો આજે અપક્ષો માની જશે તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થશે