ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની વચ્ચે આ પદ માટે ઉમેદવાર બનેલા સાજીથ પ્રેમદાસાએ અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે આ માટે કોઈ નક્કર કારણ આપ્યું નથી. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આ બન્યું છે. 20 જુલાઈના રોજ નવા પ્રમુખની ચૂંટણી થવાની છે. આ માટે વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાનું નામ મોખરે ચાલી રહ્યું હતું.
સાજિથ પ્રેમદાસાએ પોતે ટ્વિટર દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, હું મારા દેશની ભલાઈ માટે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી પાછી ખેંચું છું. અમારી પાર્ટી વિપક્ષના સહયોગ માટે સખત મહેનત કરશે.
કાર્યકારી પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા સહિત કુલ ચાર નેતાઓએ રાષ્ટ્રપતિ પદ માટે દાવો કર્યો હતો, પરંતુ ચૂંટણીના એક દિવસ પહેલા સાજીથ પ્રેમદાસાએ પોતાનું નામાંકન પાછું ખેંચીને સૌને ચોંકાવી દીધા હતા. હવે પ્રમુખપદની રેસ માટે માત્ર ત્રણ જ નામ બાકી છે.
આના એક દિવસ પહેલાં સાજીથ પ્રેમદાસાએ પોતે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કહ્યું કે અમારી પાસે ચોક્કસપણે આ આર્થિક સંકટને દૂર કરવાની યોજના છે. અમે ત્રણ વર્ષથી ગોટાબાયા સરકારને ખોટી સલાહ આપીને નાણાંકીય પગલાં ન ભરવા માટે કહી રહ્યા હતા. તેઓએ અમારી વાત ન સાંભળી અને હવે બરબાદીની સ્થિતિમાં છીએ.
સજીથ પ્રેમદાસાની પીછેહઠ બાદ શ્રીલંકાની સંસદે રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, આવતીકાલની ચૂંટણીમાં વડાપ્રધાન અને કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા ડિસનાયકે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. બીજી તરફ, શ્રીલંકામાં ગઈકાલે ફરીથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
કાર્યકારી પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ કટોકટીની સ્થિતિનો આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા અને આવશ્યક ચીજવસ્તુઓના સુચારૂ પુરવઠા માટે 18 જુલાઈથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી રહી છે. અગાઉ 13 જુલાઈના રોજ શ્રીલંકામાં તત્કાલિન રાષ્ટ્રપતિ રાજપક્ષે વિરુદ્ધ ભારે હોબાળાને લઈને ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ વિક્રમસિંઘેને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.