ગુજરાતમાં આયુર્વેદ સિરપના નામે આલ્કોહોલના વેપલા સામે હાઈકોર્ટ આકરા પાણીએ
- બોટલો પર 11 ટકાથી આલ્કોહોલ મંજૂરીપાત્ર હોવાના સ્ટીકર લગાવતા
- નશાકારક દવાઓ ગુજરાત રાજયમાં ફરજિયાતપણે પ્રતિબંધિત કરાઇ
- આયુર્વેદિક સીરપના ઓઠા હેઠળ ઉત્પાદનના સ્તરમાં ફેરફાર કરી આલ્કોહોલનું વેચાણ
ગુજરાતમાં આયુર્વેદ સિરપના નામે આલ્કોહોલના વેપલા સામે હાઈકોર્ટ આકરા પાણીએ છે. જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે આયુર્વેદ સિરપના નામે આલ્કોહોલ વેચવાની મંજૂરી ન મળી શકે. કફસિરપ કાંડના આરોપી અનિલ ભાવેની અરજી ફગાવાઈ છે. તેમજ હાઈકોર્ટે જણાવ્યું છે કે મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરનારૂં ગુજરાત રાજ્ય છે. એફએસએલના વિશ્લેષણમાં 12 ટકાથી વધુ આલ્કોહોલની માત્રા સ્પષ્ટ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત્, જાણો 20 દિવસમાં કેટલા પકડાયા
આયુર્વેદિક સીરપના ઓઠા હેઠળ ઉત્પાદનના સ્તરમાં ફેરફાર કરી આલ્કોહોલનું વેચાણ
કાયદેસરની પાસ-પરમીટ કે લાયસન્સ વિના આલ્કોહોલ યુકત કફ સીરપ સહિતની પ્રોડક્ટ વેચાણના ગુજરાતભરમાં કફ સિરપ કાંડના મુખ્ય આરોપી અને આવી પ્રોડકટ્સનું ઉત્પાદન અને વેચાણ કરનારા મોટા ઉત્પાદક એવા આરોપી આમોદ અનિલ ભાવેએ અમદાવાદના ચાંગોદર પોલીસમથકમાં પોતાની વિરૂદ્ધ નોધાયેલી એફઆઇઆર રદબાતલ ઠરાવવા થયેલી કવોશીંગ પિટિશન હાઈકોર્ટે આકરા વલણ સાથે ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટએ બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે અને આયુર્વેદિક સીરપના ઓઠા હેઠળ ઉત્પાદનના સ્તરમાં ફેરફાર કરીને આ પ્રકારે આલ્કોહોલ વેચવાની કે સેવનની પરવાનગી આપી શકાય નહી.
નશાકારક દવાઓ ગુજરાત રાજયમાં ફરજિયાતપણે પ્રતિબંધિત કરાઇ
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, ભારતીય બંધારણની કલમ-47 અને રાજયની નીતિના નિર્દેશિત સિધ્ધાંતો મુજબ, નાગરિકોના જીવન જીવવાનું સ્તર અને જાહેર આરોગ્યમાં સુધારો કરવા સહિતના હેતુસર સ્તર અને ધોરણો નિયત કરવાની રાજયની ફરજ છે અને આ માટે આ પ્રકારની નશાકારક દવાઓ ગુજરાત રાજયમાં ફરજિયાતપણે પ્રતિબંધિત કરાઇ છે. ગુજરાત રાજય એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શો અને સિધ્ધાંતોને અનુસરનારું રાજય છે અને તેથી રાજય દારૂ પીવાના દૂષણને નાબૂદ કરવાનો મક્કમ ઇરાદો ધરાવે છે અને આવી નશાકારક દવાઓને લગતા કાયદામાં ફેરફાર કરી તેના થકી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા ગુજરાત નશાબંધી અધિનિયમમાં સુધારા કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
બોટલો પર 11 ટકાથી આલ્કોહોલ મંજૂરીપાત્ર હોવાના સ્ટીકર લગાવતા
પ્રસ્તુત કેસમાં આરોપી આર્યુવેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક દવા વેચાણના ગુનામાં સંડોવાયેલો છે અને આ માટે બોટલો પર 11 ટકાથી આલ્કોહોલ મંજૂરીપાત્ર હોવાના સ્ટીકર લગાવતા હતા પરંતુ એફએસએલના વિશ્લેષણમાં 12 ટકાથી વધુ આલ્કોહોલની માત્રા સ્પષ્ટ થઇ છે. તેથી આરોપીની કવોશીંગ પિટિશન ફ્ગાવી દેવામાં આવે છે. સરકાર તરફ્થી જણાવ્યું કે, અરજદાર આરોપી વિરુદ્ધ નશાકારક દવાના ઉત્પાદન અને વેચાણ સંબંધી અમદાવાદ ઉપરાંત, કચ્છ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ સહિતના અન્ય સ્થળોએ પણ એફઆઇઆર નોંધાયેલી છે. આરોપી આયુર્વેદિક દવાની આડમાં પ્રતિબંધિત નશાકારક દવાના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદે ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંડોવાયેલો છે.