અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત્, જાણો 20 દિવસમાં કેટલા પકડાયા
- રખડતા ઢોર અંગે રોજની 40 જેટલી ફરિયાદો મળતી હતી
- રજિસ્ટ્રેશન ધરાવતા ઢોર પકડાય તો રજિસ્ટ્રેશન રદ કરાશે
- 20 દિવસમાં 31 ફરિયાદ જેમાં પાંચ સામે એફઆઈઆર નોંધાઈ
અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત્ છે. જેમાં 20 દિવસમાં 300થી પણ વધુ પકડાયા છે. તેમાં રજિસ્ટ્રેશન ધરાવતા ઢોર પકડાય તો રજિસ્ટ્રેશન રદ કરાશે. તેમજ 20 દિવસમાં 31 ફરિયાદ થઇ છે. જેમાં પાંચ સામે એફઆઈઆર નોંધાઈ છે. CNCD વિભાગ દ્વારા રોજના 100થી 150 જેટલા ઢોર પકડવામાં આવતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
CNCD વિભાગ દ્વારા તા. 20 એપ્રિલ સુધીમાં 319 ઢોર પકડયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા તા. 20 એપ્રિલ સુધીમાં 319 ઢોર પકડયા છે. અને રૂ. 44,400નો દંડ વસૂલ કર્યો છે તેમજ પાંચ શખ્સ સામે FIR કરવામાં આવી છે. અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા હળવી થઈ હોવાનું જોવા મળે છે. અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા CNCD વિભાગની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી CNCD વિભાગ દ્વારા સઘન ઝૂંબેશ હાથ ધરીને રોજના 100થી 150 જેટલા ઢોર પકડવામાં આવતા હતા. આમ, CNCD વિભાગના પ્રયાસોને નોંધપાત્ર સફળતા મળી છે અને છેલ્લાં કેટલાંક દિવસથી શહેરમાં રખડતા ઢોરની માંડ 31 જેટલી ફરિયાદો મળી રહી છે.
રખડતા ઢોર અંગે રોજની 40 જેટલી ફરિયાદો મળતી હતી
ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલાં CNCD વિભાગને શહેરમાં રખડતા ઢોર અંગે રોજની 40 જેટલી ફરિયાદો મળતી હતી. એએમસી દ્વારા શહેરમાં ઢોર રાખવા અંગે નવી નીતિ લાગુ કરાયા બાદ તમામ પશુઓ માટે ફરજીયાત રજિસ્ટ્રેશન અમલી બનાવ્યું છે. જો આ પ્રકારે રજીસ્ટ્રેશન ધરાવતા પશુ જાહેરમાં રખડતાં પકડાય તો તેનું રજિસ્ટ્રેશન પણ રદ કરી શકે તેવી જોગવાઇ છે. આગામી દિવસોમાં આવા ઢોર પકડાય તો મ્યુનિ. દ્વારા રજિસ્ટ્રેશન પણ રદ કરવાની કામગીરી કરવામાં આવશે.