યાત્રાધામ અંબાજીમાં રેલ્વે પરિયોજનાને મળી લીલી ઝંડી, જમીન સંપાદન માટે યોજાઈ બેઠક
યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મુજબ તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી અંબાજીને રેલ સેવાથી જોડવામાં આવશે.
અત્રે ઉલ્લેખીનય છે કે શ્રી ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અંબાજી તીર્થ ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે. આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.