ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છગન ભુજબળના નાસિકથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની શું થશે અસર, આવો સમજીએ

મહારાષ્ટ્ર, 20 એપ્રિલ: વરિષ્ઠ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમણે નાસિક લોકસભા મતવિસ્તારમાંથી ટિકિટ ન લેવાનો નિર્ણય લીધો છે, જેથી આ બેઠક પર ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવામાં મદદ મળી શકે. ઉલ્લેખનીય છે કે આ બેઠક સાથી પક્ષ શિવસેનાની પણ પ્રિય બેઠક છે. ઉત્તર મહારાષ્ટ્રના નાસિક લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ હેમંત ગોડસે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાંથી છે. છગન ભુજબળે નાસિકમાંથી પોતાની દાવેદારી છોડી દેતાં મહાયુતિમાં ખટરાગ થોડા અંશે ઉકેલાઈ ગયો છે. જો કે, ભુજબળ દ્વારા સંભળાવેલા ઘટનાક્રમે મુખ્યમંત્રી શિંદેની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ સાથે નાસિક બેઠકને લઈને મહાયુતિના પરસ્પર મતભેદને કારણે આ બેઠક જીતવી કેટલી મુશ્કેલ હશે? ચાલો સમજીએ.

ભુજબળે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સત્તાધારી સાથી પક્ષો શિવસેના અને ભાજપ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો દરમિયાન એનસીપીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાસિક બેઠક પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે આ વિસ્તારમાં તેમની પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધુ છે. છગન ભુજબળે કહ્યું, “જ્યારે અમને ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે પૂર્વ સાંસદ સમીર ભુજબળનું નામ સૂચવવામાં આવ્યું હતું. પરંતુ (ભાજપ નેતા) અમિત શાહે કહ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ, તેમ છતાં મેં ટિકિટ માંગી ન હતી.” ભુજબળે કહ્યું કે મુખ્યમંત્રી શિંદે આ સીટની માંગણી કરી કારણ કે વર્તમાન સાંસદ તેમની પાર્ટીના છે.

નાસિકમાં મહાયુતિમાં વિલંબ?

તેમણે કહ્યું કે ત્રણ અઠવાડિયા સુધી આ સંબંધમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) ઉમેદવારે પહેલેથી જ પ્રચાર શરૂ કરી દીધો છે. “મડાગાંઠને સમાપ્ત કરવા માટે, મેં રેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. મહાયુતિ ગઠબંધને તેના ઉમેદવારની ટૂંક સમયમાં ઘોષણા કરવી જોઈએ, અન્યથા અમને આ બેઠક જીતવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે,” તેમણે કહ્યું. ભુજબળની વાત પરથી સ્પષ્ટપણે જણાય છે કે મહાયુતિ વચ્ચેના પરસ્પર મતભેદોને કારણે નાસિક બેઠક માટે ઉમેદવારની નિમણૂકમાં વિલંબને કારણે ગઠબંધનને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઉમેદવારોની પસંદગીમાં ભાજપની મહત્ત્વની ભૂમિકા?

ભુજબળની પ્રેસ કોન્ફરન્સ એ સંકેત આપી રહી છે કે મહાયુતિના સાથી પક્ષોના ઉમેદવારો નક્કી કરવામાં પણ ભાજપની મહત્ત્વની ભૂમિકા છે. મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ ભાજપ શિવસેનાને તેમના સાંસદો વિરુદ્ધ સર્વે બતાવી રહી હતી. આ કારણોસર શિંદેના સાંસદોની ટિકિટો રદ કરવામાં આવી હતી. પરભણી બેઠક જે એનસીપીના ખાતામાં હતી, તે ભાજપે રાષ્ટ્રીય સમાજ પાર્ટીને આપી છે. ધારાશિવમાં ભાજપની અર્ચના પાટીલને એનસીપીમાં મોકલીને ભાજપે પોતાના જ વ્યક્તિને ટિકિટ મેળવવાનું સરળ બનાવી દીધું છે. આ તમામ ઘટનાક્રમને કારણે ભાજપ શિવસેના અને એનસીપીના ઉમેદવારો નક્કી કરી રહી હોવાની ચર્ચા હતી.

આ પણ જુઓ: DDનો લોગો ભગવો થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર કર્યા પ્રહાર

Back to top button