પરીક્ષા માટે અમારી ટીમના સુચનોને ગંભીરતાથી સ્વીકારી જરૂરી ફેરફાર કરાયાઃ યુવરાજસિંહ
વિવાદોનો પર્યાય બની ગયેલા ગૌણસેવા પસંદગી મંડળની છબી સુધારવા માટે પ્રયાસોની શરૂઆત થઈ ચુકી છે, આ વાતની સાબિતિ તાજેતરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક વર્ગ 3 અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં મળી ગઈ. જો કે, પેપરલીક કાંડની હારમાળાને લઈને રાજ્યના યુવાનોમાં ભારોભાર રોષ છે તે વાત પણ એટલી જ સત્ય છે. ત્યારે રાજ્યભરમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.
સિસ્ટમ સુધારવા અમારી ટીમે સાહેબ સાથે કર્યો પરામર્શઃ યુવરાજ
યુવરાજસિંહના દાવા પ્રમાણે તેઓ તેમની ટીમ સાથે એ.કે.રાકેશને મળ્યા હતા. યુવરાજસિંહના કહેવા પ્રમાણે સિસ્ટમ સુધારવા સ્વેચ્છાએ અમે અમારી ટીમ સાથે સાહેબ પાસે ગયા અને અમારા અનુભવોના નિચોડરૂપે તેમને વિવેકભાવથી સૂચનો કર્યા. તે ખૂબ ગંભીરતાથી સ્વીકારાયા અને તેમાં જરૂરી ફેરફાર કરાયા. બાદમાં સારા વાતાવરણમાં પરીક્ષા યોજાઈ. ગૌણ સેવામાં કરાયેલા આ ફેરફારોથી પારદર્શકતા જળવાશે.
GPSCની તર્જ પર વિકસાવાઈ સિસ્ટમ
સૌથી ખાસ વાત એ છે કે, ભૂતકાળનાં પેપરકાંડમાંથી બોધપાઠ લઈ પેપરની વિતરણ વ્યવસ્થા સુધારાઈ. GPSCની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરાયો. પેપરને મેઈન સ્ટ્રોંગથી લઈ જિલ્લા-તાલુકા સ્તરે પહોંચાડાયા અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું.
OMR આવતા પહેલા હાજર ઉમેદવારની સહી લેવાઈ અને પેપર પૂરું થયા પછી સીલ પેક કરતી વખતે ઉમેદવારની સહી લેવાઈ. આ સાથે ટ્રેકિંગ એપ પણ વિકસાવાઈ છે. તો પેપર પૂરૂ થયાના 24થી 48 કલાકમાં જ આન્સર કી પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવનાર છે.
એક પરીક્ષાથી અન્ય હજારો ઉમેદવારોને બંધાઈ આશા
છાશવારે પેપરમાં થતી ગેરરીતિને કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે. આ કારણસર વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી જ બંધ કરી દે છે. તેના કારણે આ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓની સંખ્યા ઓછી રહે છે. જો કે આ વખતની પરીક્ષા સારા માહોલમાં યોજાતા આગામી સમયમાં વિવિધ વર્ગની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં આશા બંધાઈ છે કે આવનાર સમયમાં યોજનારી તમામ પરીક્ષાઓ પારદર્શિતા સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે.