ગઈકાલે કચ્છનું ખાવડા 3.7ની તિવ્રતા સાથે ધ્રુજ્યું હતં, આજે રાજકોટની ધરા ધૃજી
રાજકોટ, 19 એપ્રિલ 2024, કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. તેમાં પણ 18 એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો 3.7ની તિવ્રતાનો હતો. જ્યારે આજે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ધરતી ધ્રુજી હતી. આંચકાની તિવ્રતા 2.9 નોંધાઈ છે. શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રાજકોટની ભાગોળે આવેલ શાપર નજીક ભૂકંપના આંચકો અનુભવાયો છે. શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું
આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.ભીષણ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે કચ્છના પેટાળમાં પણ ઉષ્માનો વધારો થતો હોય તેમ અઠવાડિયામાં ત્રણ વખત લઘુતમ સ્તરના આંચકાથી જિલ્લાની ધરા કંપી ઉઠી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું હતું. ગુરુવારે બપોરે 1.36 મિનિટે દુર્ગમ ખાવડાથી 30 કિમી દુર ભારક પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
કચ્છના ખાવડામાં ગઈકાલે ભૂકંપ આવ્યો હતો
સતત આવતા રહેતા આંચકાના પગલે લોકોમાં ભૂકંપનો ભય પણ યથાવત છે. આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇજ નુકસાની પહોંચતી નથી પરંતુ લોકમાનસમાં ભૂકંપનો ડર કાયમ બની રહે છે. છેલ્લા પંદર દિવસમાં આવેલા આંચકા પર નજર કરીએ તો વર્તમાન માસની તા.4ના સવારે 9.12 મિનિટે ભચાઉ નજીક 2.9, તા. 14ના પરોઢે 5.8 મિનિટે ખાવડા નજીક 2.9, બુધવારે 17 એપ્રિલે બપોરે 2.51 મિનિટે 2.8 અને ગુરૂવારે 18 એપ્રિલે બપોરે 1.36 મિનિટે 3.7ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે.
આ પણ વાંચોઃગુજરાતમાં વૈજ્ઞાનિકોને મળ્યા 5 કરોડ વર્ષ જુના વાસુકીનાગના કંકાલ