સંરક્ષણ નિકાસમાં વધી ભારતની તાકાત, 3000 કરોડ રૂપિયાની બ્રહ્મોસ મિસાઈલ ફિલિપાઈન્સને પહોંચાડી
નવીદિલ્હી, 19 એપ્રિલ : ભારતે શુક્રવારે ફિલિપાઇન્સને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ પહોંચતી કરી છે. દેશની સંરક્ષણ નિકાસમાં આને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. એરફોર્સે ફિલિપાઈન્સને ખાસ એરક્રાફ્ટ દ્વારા મિસાઈલો પહોંચાડી છે. આ દરમિયાન ભારત અને ફિલિપાઈન્સના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
ફિલિપાઈન્સને ભારત પાસેથી એવા સમયે ક્રૂઝ મિસાઈલ મળી છે જ્યારે તેનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ અને ચીનની નૌકાદળ દરરોજ સામસામે આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલિપાઇન્સ આ મિસાઇલોને ચીન તરફ તૈનાત કરી શકે છે, જેથી તે ચીનની સેનાથી પોતાને બચાવી શકે. બે વર્ષ પહેલા ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે ક્રુઝ મિસાઈલ માટેનો સોદો થયો હતો. આ ડીલ 375 મિલિયન ડોલર (લગભગ 3000 કરોડ રૂપિયા)ની હતી.
એરફોર્સનું ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ મિસાઈલ લઈને ફિલિપાઈન્સ પહોંચ્યું
ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટ શુક્રવારે બ્રહ્મોસ મિસાઇલના પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે ફિલિપાઇન્સ પહોંચ્યું હતું. ભારતીય ટીમમાં એરફોર્સ, નેવી અને બ્રહ્મોસ મિસાઈલની ટીમ સામેલ હતી, જે ડિલિવરી માટે આ એશિયાઈ દેશમાં પહોંચી હતી. આ મિસાઇલો ફિલિપાઇન્સ મરીન કોર્પ્સને સોંપવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ અધિકારીઓએ ફિલિપાઈન્સ મરીન કોર્પ્સના સૈનિકોને મિસાઈલ પ્રાપ્ત કરવા બદલ તેમને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતની સંરક્ષણ નિકાસ એક વર્ષમાં 32.5% વધી છે
ભારતની સંરક્ષણ નિકાસ દર વર્ષે વધી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે 2.63 બિલિયન ડોલર એટલે કે રૂ. 21,083 કરોડના શસ્ત્રો અને સંરક્ષણ સાધનોની વિદેશી દેશોમાં નિકાસ કરી હતી. ગયા વર્ષની સરખામણીમાં 32.5 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની સંરક્ષણ નિકાસમાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે.
શું છે બ્રહ્મોસની વિશેષતા?
ફિલિપાઈન્સ ઉપરાંત આર્જેન્ટિના જેવા દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ, ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ, ‘બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ’નું ઉત્પાદન કરે છે. આ મિસાઈલ સબમરીન, જહાજ, એરક્રાફ્ટ અથવા લેન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલની સ્પીડ 2.8 Mach છે અથવા તે ધ્વનિ કરતા ત્રણ ગણી ઝડપે લક્ષ્ય પર હુમલો કરી શકે છે.
આ પણ વાંચો :દાદાના જુસ્સાને સલામ! ચાલી શકે એમ ન હોવા છતાં મત આપવા આ રીતે પહોંચ્યા