બેન્ડ બાજા વોટ! જમ્મુ-કાશ્મીરના નવવિવાહીત યુગલે લગ્ન પછી તરત જ કર્યું મતદાન, વીડિયો વાયરલ
ઉધમપુર (જમ્મુ-કાશ્મીર), 19 એપ્રિલ: આજે દેશભરમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર-કઠુઆ લોકસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આજે સવારથી જ મતદારોની ભારે કતારો જોવા મળી રહી છે. મતદાન કરવા માટે વૃદ્ધો, યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉધમપુર મતદાન મથકનો એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક નવવિવાહીત યુગલનો છે જેઓ તેમના લગ્નમાંથી સીધા જ મતદાન કેન્દ્ર પર વોટ કરવા આવ્યા છે. રાધિકા અને સાહિલનો નામના નવયુગલ લગ્નના પોશાકમાં તેમનો બહુમૂલ્ય મત આપ્યો હતો.
નવવિવાહીતનો મતદાન કરતો વીડિયો વાયરલ
#WATCH | Udhampur, J&K: As the first phase of #LokSabhaElections2024 is underway, after the wedding newly married couple heads straight to vote as they exercise their franchise. pic.twitter.com/WbJeL4PN3M
— ANI (@ANI) April 19, 2024
આ વીડિયો જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનો છે જ્યાં નવપરિણીત દંપતી મતદાન કર્યા બાદ મતદાન મથક પર પોઝ આપી રહ્યા છે. દંપતી લગ્નના પોશાકમાં મતદાન કરવા આવતા સૌકોઈનું ધ્યાન તેમના તરફ પડ્યું હતું. કન્યા પરંપરાગત ઘરેણાં અને સિંદૂર સાથે લાલ વસ્ત્રમાં છે, જ્યારે વરરાજાએ પરંપરાગત માથે સેહરા બાંધીને શેરવાની પહેરી છે. મતદાન કર્યા બાદ કન્યાએ દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. કન્યાએ કહ્યું કે દેશ અને પોતાના વિસ્તારના વિકાસ માટે મત આપવો જ જોઈએ.
વરસાદ હોવા છતાં લોકો ફરજ નિભાવી રહ્યા છે
મહત્ત્વનું છે કે ઉધમપુર-કઠુઆમાં મતદાન ચાલી રહ્યું છે. ભારે વરસાદ છતાં લોકો ઘરની બહાર નીકળીને મતદાન કરી રહ્યા છે. ઉધમપુરમાં જિલ્લા વિકાસ કમિશનરની ઓફિસમાં એક પિક પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જ્યારે આ મતદાન મથકમાં મહિલાઓ તેમની સેવાઓ આપી રહી છે. ઉધમપુર-કઠુઆના અલગ-અલગ મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં વૃદ્ધો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ચારમાંથી એક બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: વિશ્વની સૌથી ઠિંગણી મહિલા જ્યોતિ આમગેએ કર્યું મતદાન, વોટિંગની કરી અપીલ