સરકારે નોકરીની ગેરંટી આપી, એ જેની પાસે હતી તેની પણ જતી રહીઃ શક્તિસિંહ ગોહિલ


પાટણ, 18 એપ્રિલ 2024, લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે ઉમેદવરીપત્રક ભર્યું હતું, પાટણના પ્રગતિ મેદાનની સભામાં શક્તિસિંહ ગોહિલ તેમજ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધતી વખતે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપની ગેરન્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અંધભક્તોને પૂછો ખાતામાં 15 લાખ આવ્યા?, 2 કરોડ લોકોને નોકરીની ગેરંટી આપી હતી એ તો જેની પાસે હતી એ પણ જતી રહી.
400 રૂપિયાનો ગેસનો બાટલો 1100એ પહોંચ્યો
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આ દેશની સરકારે ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે. મારા ખેડૂતભાઈની આવક બમણી કરવાની વાત કરી હતી પણ એ બમણી થઈ નથી ખાલી ખર્ચા બમણા કર્યા છે. 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100એ પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. 2 કરોડ લોકોને નોકરી આપવાની ગેરંટી આપી હતી. અરે હતી તેની પણ નોકરીઓ જતી રહી. કાલાધન વાપસ આયેગા, સભી દેશવાસીઓ કે ખાતે મેં 15-15 લાખ આયેંગે. આવ્યા કોઈના ખાતામાં 15 લાખ? જે લોકોએ ભાજપને મત આપ્યા છે તેમને પણ પૂછજો કે તમે તો કમળવાળા છો? અંધભક્તો છો? તો તમારા ખાતામાં 15 લાખ આવ્યા?
ચૂંટણી આવતી હતી એટલે શંકરાચાર્ય મહારાજનું પણ ના માન્યા
શક્તિસિંહે રામ મંદિર મુ્દે કહ્યું હતું કે, ચારમાંથી એકપણ શંકરાચાર્ય રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા ન હતા કેમ કે તેમણે કહ્યું હતું કે અધૂરુ મંદિર છે, એની પ્રાણપ્રતિષ્ઠા ન કરાય. શંકરાચાર્ય મહારાજ જે વાતની ના પાડે ત્યાં ભાજપવાળા જઈ શકે કોંગ્રેસવાળા ન જાય. શંકરાચાર્ય મહારાજે અત્યારે પ્રાણપ્રતિષ્ઠા કરવાની ના કહી હતી પણ ચૂંટણી આવતી હતી એટલે શંકરાચાર્ય મહારાજનું પણ તેઓ ન માન્યા. અહંકારમાં જ્યારે આવા કામ કરે છે ત્યારે સરસ્વતી માતાજી પણ જીભે બેસતા હોય છે બેઠા ને રાજકોટના ઉમેદવારની જીભે. લોકશાહીમાં જનતા જ મહાન છે, કોઈ પક્ષ મહાન નથી. સત્તા મળે તો લોકોના આશીર્વાદને કારણે મળે એ ન ભૂલવું જોઈએ.
આ પણ વાંચોઃરૂપાલાજીએ ક્ષત્રિયોની દીલથી માફી માગી છે, હવે ગુજરાતમાં વધુ લીડથી જીતીશુંઃ અમિત શાહ