ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે કરી યુદ્ધ ધોરણે તૈયારી, કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા આ નિર્ણયો

Text To Speech

રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અને તેના કારણે લોકોની મદદ સંદર્ભે રાજ્ય સરકારના કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વેકરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહીવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે.

તેમજ વહીવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ થયા છે. આ બેઠકમાં તમામ વિભાગો તથા સમગ્ર વહિવટી તંત્ર ઉપરાંત રેસ્ક્યુ કામગીરી કરી અનેક નાગરિકોના જીવ બચાવનાર NDRF-SDRF તેમજ સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ કુલ સરેરાશ 459.79 મિ.મી એટલે કે 58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં 237 તાલુકામાં 125 મીમી કરતાં વધુ એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યમાં હાલ કુલ 55.41 લાખ હેકટર વિસ્તારમાં એટલે કે 64 ટકા વિસ્તારમાં વાવેતર થયુ છે. જેમાં મુખ્ય પાક મગફળી 15.63 લાખ હેક્ટર, કપાસ 23.11 લાખ હેક્ટર, કઠોળ અને અન્ય ધાન્ય પાકો 5.45 લાખ હેકટર વિસ્તારનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ મળી કુલ 8 જિલ્લાઓના 38 તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા છે. અસરગ્રસ્ત તાલુકાઓના કુલ 120 સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે તથા 29,800 હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે તથા પાણી ભરેલ વિસ્તારમાં પાણી ઉતરે તેમ તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે. સર્વે કામગીરી તમામ વિસ્તારોમાં પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિયમોનુસાર ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં 60 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા તેમને પોષ્ટિક ભોજન સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ સ્થાનિકતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદના વહેતા પાણીના વહેણ સહિત અન્ય જગ્યાએ ફસાયેલા 1,513 જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સાથે સંકલનમાં રહીને વહીવટી તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામના જીવ બચાવી લેવાયા છે. એનડીઆરએફ- એસડીઆરએફના જવાનોએ કાબેલિયત જિંદાદિલી અને શૌર્યતાથી નાગરિકોના જીવ બચાવ્યા છે તે બદલ આ ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મંત્રી વઘાણીએ કહ્યુ કે, નવસારી જિલ્લામાં અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો અને તેનું વિતરણ શરૂ પણ કરી દેવામાં આવ્યુ છે. વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે કામગીરી 132 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 19 જુલાઈની સ્થિતિએ રાજ્યની 207 જેટલી મહત્વની જળ પરિયોજનાઓમાં 54.94 ટકા જેટલો જળસંગ્રહ થયો છે જેના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં પાણીની તંગી વર્તાશે નહીં. રાજ્યના 206 જળાશયોમાં હાલ 3,13,196 એમ.મી.એફ.ટી જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના 56.11 ટકા જેટલો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,77,066 એમ.મી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 52.98 જેટલો જળસંગ્રહ છે.

તેમણે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.11 ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.85 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 69.71 ટકા, કચ્છના 20 જળાશયોમાં 68.20 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 54.16 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 30 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાયા છે. 41 જળાશયો 70 ટકાથી 100 ટકા, 29 જળાશયો (સરદાર સરોવર સહિત) 50 ટકાથી 70 ટકા, 45 જળાશયો 25 ટકાથી 70 ટકા જ્યારે 61 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

Back to top button