અમદાવાદઃ 17 એપ્રિલ 2024, ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
નડિયાદ પાસે કાર એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી અમદાવાદ પાસિંગની કાર એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં.વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે. તેનો નંબર GJ27 EC 2578 છે.
8 લોકોના ઘટનાસ્થળે, બે લોકોના સારવાર દરમિયાન મોત
ગમખ્વાર અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શીએ ક્હ્યું હતું કે, તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિંગા ઘૂસી ગઈ હતી.અમે ક્રેઈન બોલાવી ગાડી બહાર કાઢી. કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા જેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચોઃગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી રહેશો દંગ