ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રેમમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલાને દોષિત ન માની શકાય: દિલ્હી હાઈકોર્ટ

  • જો કોઈ નબળી માનસિકતા ધરાવનાર વ્યક્તિ આત્મહત્યાનું  પગલું ભરે છે તો તેના માટે કોઈ અન્ય વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં: ન્યાયાધીશ 

નવી દિલ્હી, 17 એપ્રિલ: દિલ્હી હાઈકોર્ટે પ્રેમ સંબંધોને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું છે કે, “જો કોઈ પ્રેમી પ્રેમમાં નિષ્ફળ ગયા બાદ પોતાનો જીવ લે છે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં.” આ કેસમાં મૃતકે એક સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં મહિલાની સાથે અન્ય વ્યક્તિને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.

કોર્ટે આ મામલે શું કહ્યું?

અહેવાલ મુજબ, હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે, જો કોઈ નબળી માનસિકતા ધરાવનાર વ્યક્તિ આવું પગલું ભરે છે તો તેના માટે કોઈ અન્ય કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, ‘જો પ્રેમમાં નિષ્ફળતાના કારણે પ્રેમી આત્મહત્યા કરે, પરીક્ષામાં નબળા પ્રદર્શનને કારણે વિદ્યાર્થી આત્મહત્યા કરે, કેસ ડિસમિસ થયા પછી જો કોઈ ક્લાયન્ટ આત્મહત્યા કરે તો મહિલા, સુપરવાઈઝર કે વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ જવાબદાર ગણી શકાય નહીં.

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, ‘નબળી માનસિકતા ધરાવતી વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય માટે અન્ય વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ જવાબદાર ન ગણી શકાય.’ કોર્ટે મહિલા અને અન્ય એક પુરુષને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે.

સમગ્ર મામલો શું હતો?

મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. અરજદાર મહિલાએ આપઘાત કરનાર પુરુષ સાથે પ્રેમ સંબંધ હતી. જ્યારે, બીજો અરજદાર તેમનો કોમન ફ્રેન્ડ હતો. આક્ષેપો એવા હતા કે, અરજદારોએ મૃતકને એ કહીને ઉશ્કેર્યો હતો કે, તેમણે શારીરિક સંબંધો બાંધ્યા છે અને ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવાના છે.

જેના પર કોર્ટે કહ્યું કે, “વ્હોટ્સએપ(WhatsApp) ચેટ્સ પરથી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળે છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો. જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી ત્યારે તે તેને આત્મહત્યાની ધમકી આપીને ડરાવતો હતો.” કોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રાયલ દરમિયાન કથિત સુસાઈડ નોટના તથ્યો જોવામાં આવશે અને અરજદારો તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી હતી કે કેમ તે પણ જોવામાં આવશે.

આ પણ જુઓ: નવજાત બાળકને સુપર હ્યુમન બનાવવાના ચક્કરમાં માસૂમના મૃત્યુ બદલ પિતાને કેદ

Back to top button