સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
- ગુજરાતના ભુજમાંથી બંને આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી
મુંબઈ, 16 એપ્રિલ: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. હવે બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસની ટીમે ગુજરાત જઈને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા અને સાગર પાલ છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે.
#WATCH | Two accused identified as Vicky Gupta and Sagar Pal were arrested by the Mumbai Crime Branch from Gujarat’s Bhuj, in connection with the firing incident outside the residence of actor Salman Khan.
(Source: Bhuj Police) pic.twitter.com/JdtXZVQrZj
— ANI (@ANI) April 16, 2024
પનવેલમાંથી પણ અન્ય 2 લોકોની કરવામાં આવી હતી અટકાયત
આ કેસમાં મુંબઈ પોલીસે પનવેલમાંથી પણ બે લોકોની અટકાયત કરી હતી. આ બંનેએ સલમાનના ઘરે ગોળીબાર કરનારા શૂટરોને સેકન્ડ હેન્ડ બાઇક વેચી દીધી હતી. સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં જ છે, તેથી હવે પોલીસ એ પણ શોધી રહી છે કે શું શૂટિંગ સલમાનના ફાર્મહાઉસને પણ નિશાન બનાવવા માટે કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસની ટીમ 5 રાજ્યોમાં શૂટરોને શોધી રહી હતી. ગુજરાતના ભુજમાં સોમવારે રાત્રે આ બંને આરોપીઓની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને મુંબઈ લાવવાની તૈયારી ચાલી રહી છે, મુંબઈમાં તેની પૂછપરછ કરવામાં આવશે.
સલમાનના ઘરે ફાયરિંગમાં રોહિત ગોદારા ગેંગનું નામ
રવિવારે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ બહાર આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સલમાનના ઘર પર ફાયરિંગ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાનો હાથ છે. રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા અમેરિકામાં રહે છે. તેણે અમેરિકામાં બેસીને શૂટર્સનું પ્લાનિંગ અને ગોઠવણ કરી હતી. તેમને હથિયારો આપ્યા તેમજ સલમાન ખાનનું ઘર અને ફાર્મ હાઉસની રેકી કરવામાં મદદ કરી. રોહિત ગોદારાનું નામ સુખદેવ સિંહ ગોગામેડી અને સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં પણ બહાર આવ્યું હતું.
રોહિત ગોદારાનો શૂટર કાલુ સીસીટીવીમાં થયો હતો કેદ
રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખાસ સભ્ય છે. તે શૂટર્સ અને હથિયાર ગોઠવનારાનું સૌથી મોટું નેટવર્ક ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાનના ઘરે ફાયરિંગની જવાબદારી રોહિત ગોદારાને આપી હતી. રોહિત ગોદારાએ વિશાલ ઉર્ફે કાલુ નામના શૂટરને આ કામ સોંપ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ ઘણા વર્ષોથી સલમાન ખાનને ધમકી આપી રહી છે, જેનાથી બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ વધે છે.
આ પણ જુઓ: ઈલેક્ટોરલ બોન્ડ દુનિયાની સૌથી મોટી રિકવરી સ્કીમ : PMના ઈન્ટરવ્યુ પર રાહુલનો હુમલો