4650 કરોડની જપ્તી: 75 વર્ષના ઇતિહાસમાં ચૂંટણીપંચની સૌથી મોટી કાર્યવાહી
- ચૂંટણીપંચ દ્વારા 1 માર્ચથી શરૂ કરીને અત્યારસુધીમાં દરરોજ 100 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા
નવી દિલ્હી, 15 એપ્રિલ: લોકશાહીના તહેવાર તરીકે ઓળખાતી ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મની પાવરના ઉપયોગને રોકવા માટે ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે હાલ ચૂંટણીપંચે ચૂંટણીના 75 વર્ષના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરી બતાવી છે. ચૂંટણીપંચે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા જ ગેરકાયદે નાણાં, મફત અનાજ, માદક દ્રવ્ય અને કિંમતી ધાતુઓ જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચૂંટણીપંચે 1 માર્ચથી શરૂ કરીને અત્યારસુધીમાં દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયા અથવા 100 કરોડ રૂપિયાનો માલ-સામાન કર્યો છે. 18મી લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે આજે સોમવારે કહ્યું કે, તેની દેખરેખ હેઠળના અધિકારીઓએ લોકસભાની ચૂંટણી પહેલા 1 માર્ચથી દરરોજ 100 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. અમલીકરણ અધિકારીઓએ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયા પહેલા જ 4650 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને આ 2019ની ચૂંટણીમાં કરવામાં આવેલી કુલ જપ્તી કરતા પણ વધુ છે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ચૂંટણી આવતાં જ પક્ષો અને ઉમેદવારો હંમેશા મતદારોને રીઝવવા પૈસાની શક્તિનો ઉપયોગ કરે છે. આ વખતે પણ એવું જ વાતાવરણ છે પરંતુ આ વર્ષે ચૂંટણી પંચે મની પાવરના ઉપયોગ પર અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કરી છે.
કડક પગલાં ભરવાનું ચાલુ રાખશે: ECI
ચૂંટણીપંચે કહ્યું કે, ચૂંટણીની જાહેરાતથી એટલે કે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા જ 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ રકમ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતા ઘણી વધારે છે. સામાન્ય જનતા, આવકવેરા, આવકવેરા ગુપ્તચર સર્વેલન્સ વિભાગ, કસ્ટમ્સ, આબકારી, સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓના સતર્ક અને સંકલિત સહકારથી ચૂંટણીપંચ આવા કડક પગલાં ભરવાનું ચાલુ રાખશે.
તમિલનાડુમાં સૌથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી
ચૂંટણીપંચે એમ પણ કહ્યું કે, “તમિલનાડુમાંથી સૌથી વધુ 53 કરોડ રૂપિયા, તેલંગાણામાંથી 49 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રમાંથી 40 કરોડ રૂપિયા અને કર્ણાટક અને રાજસ્થાનમાંથી 35 કરોડ રૂપિયાથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે.” ગત લોકસભા ચૂંટણીમાં 844 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં 395 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આવી જ રીતે ગત ચૂંટણીમાં 304 કરોડનો દારૂ ઝડપાયો હતો પરંતુ આ વખતે અત્યાર સુધીમાં 490 કરોડનો દારૂ ઝડપાયો છે. ગત ચૂંટણીમાં ડ્રગ્સનો આંકડો 1280 કરોડ રૂપિયા હતો. આ વખતે 2068 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 60.15 કરોડના મફત બિયારણ સામે રૂ.1142 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.