બાબા અમરનાથના દર્શન કરવા માટે થઈ જાઓ તૈયાર, આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ
- અમરનાથની યાત્રા 29 જૂનના રોજ શરૂ થઈને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે
અનંતનાગ(જમ્મુ અને કાશ્મીર), 15 એપ્રિલ: જો તમે બાબા બર્ફાની એટલે કે અમરનાથની ગુફામાં ઉપસ્થિત બરફના શિવલિંગના દર્શન કરવા ઈચ્છો છો તો અહેવાલ તમારા માટે ઉપયોગી છે. અમરનાથ યાત્રા 2024, ટેમ્પલ શ્રાઈન બોર્ડે રવિવારે જાહેરાત કરી હતી કે, ભક્તો માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આજથી એટલે કે 15 એપ્રિલથી શરૂ થશે. અમરનાથજી શ્રાઈન બોર્ડે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમરનાથની યાત્રા 29 જૂનના રોજ શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જેના માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આજે એટલે કે 15 એપ્રિલથી શરૂ થશે.” આ પછી, વધુ માહિતી આપતા બોર્ડે કહ્યું કે, ‘અમરનાથ યાત્રાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી રહ્યો છે, જે જૂનથી શરૂ થશે.’
અમરનાથ યાત્રા માટે ઈચ્છુક હોય તેવા શ્રદ્ધાળુઓ નોંધણી માટે અધિકૃત ડૉક્ટર પાસેથી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્રની સાથે નોંધણી કરાવી શકશે. આ યાત્રા માટે ભારતીય ભક્તોએ પ્રતિ ભક્ત 220 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ આ માટે 1510 રૂપિયા પ્રતિ ભક્ત ચૂકવવા પડશે. નોંધણી કરાવનાર શ્રદ્ધાળુએ યાત્રા શરૂ કરતા પહેલા જમ્મુ અને કાશ્મીર સંભાગના વિવિધ સ્થાનો પર સ્થાપિત કોઈપણ કેન્દ્રમાંથી RFED કાર્ડ લેવાનું રહેશે. આ કાર્ડ વગર ડોમેલ-ચંદનવાડીમાં પ્રવેશ નિયંત્રણ દ્વાર પાર કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.
કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું?
- સૌ પ્રથમ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB)ની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જાઓ.
- અહીં ઓનલાઈન સર્વિસ ટૅપ પર આપેલા ‘રજિસ્ટર’ બટન પર ટૅપ કરો અથવા ક્લિક કરો.
- આ પછી ભક્તો તેમની માહિતી ભરે અને સબમિટ બટન પર ક્લિક કરે.
- એપ્લિકેશનની પ્રક્રિયા થયા પછી, વપરાશકર્તાઓને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ સંદેશ મળશે, જેમાં OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ આપવામાં આવશે.
- OTP દાખલ કર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
- આ રીતે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મુસાફરી પરમિટ ડાઉનલોડ કરો.
કેવી રીતે મેળવી શકાશે તબીબી પ્રમાણપત્ર?
અમરનાથ યાત્રા માટેના તબીબી પ્રમાણપત્ર માટે PNB, SBI, YES બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની સ્થાનિક શાખાની મુલાકાત લો. ત્યાં આપેલું મેડિકલ ફોર્મ ભરો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાંથી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 6 અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓ અમરનાથની મુલાકાત લઈ શકતી નથી. અમરનાથની યાત્રા કરનારા યાત્રિકોને ઘણી ઊંચાઈઓ પર જવું પડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ જ કારણ છે કે, અસ્થમા અને ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત ભક્તોને આ યાત્રા માટે તબીબી રીતે યોગ્ય ગણવામાં આવતા નથી.
પ્રવાસ ક્યારે શરૂ થાય છે?
બોર્ડના જણાવ્યા અનુસાર, “અમરનાથની યાત્રા 29 જૂનથી શરૂ થઈને 40 દિવસ સુધી ચાલશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.” ઉલ્લેખનીય છે કે, આ યાત્રા લગભગ 2 મહિના સુધી ચાલશે. બાબા અમરનાથની ગુફાઓ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરથી 141 કિમી દૂર સમુદ્ર સપાટીથી 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. દર વર્ષે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. ઉલ્લેખનીય છે કે, બાબા ભોલેનાથના ભક્તો જુલાઈ-ઓગસ્ટ (હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો)માં શ્રાવણી મેળા દરમિયાન ‘બાબા બર્ફાની’ની પૂજા કરવા માટે મંદિરની મુલાકાત લે છે, જે આખા વર્ષનો એકમાત્ર સમય હોય છે જ્યારે બાબા અમરનાથના દર્શન કરી શકાય છે.
NDRF, SDRF લઈ રહ્યા છે તાલીમ
આ દરમિયાન, યાત્રા પહેલા મંદિર સાથે જોડાયેલા અધિકારીઓ ભક્તોની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને સુનિશ્ચિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનોને જમ્મુ અને કાશ્મીર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમ્સ (MRT)નો ભાગ બનવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, પવિત્ર ગુફા મંદિર તરફ જવાના જોડિયા માર્ગો પર લગભગ એક ડઝન ઓળખાયેલા મહત્ત્વપૂર્ણ સ્થળો પર MRT તૈનાત કરવામાં આવશે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, SDRF, NDRF અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ: રામનવમી પર બની રહ્યો છે શ્રીરામના જન્મ જેવો મહાસંયોગ, ત્રણ રાશિને ફાયદો