અત્યાર સુધીની સાયબર ક્રાઇમની સૌથી મોટી 27 કરોડની ઠગાઈ, જાણો શું છે સમગ્ર મામલો


સાયબર ક્રાઇમની વિવિધ ઘટનાઓ સામે આવતી રહેતી હોય ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ફ્રોડની ફરિયાદ અમદાવાદ સાયબર સેલમાં નોંધાઈ છે. જે મુજબ ગાલા પ્રિન્ટ સીટીના એમડીને સરકારી ટેન્ડર અપાવવાની વાત કરી સાયબર ઠગે 27 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ સામે આવી છે.
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાને તમિલનાડુમાં સ્ટેશનરી સપલાયનું સરકારી ટેન્ડર અપાવવાની વાત આરોપીએ કરી હતી. ઓનલાઈન સંપર્કમાં આવેલ શખ્સ પર ભરોસો બેસતા ફરિયાદીએ આરોપીએ કહ્યા મુજબ ટેન્ડર પ્રોસેસ માટેની રકમ રૂ.26.78 કરોડ બેન્ક એકાઉન્ટમાં ભરી હતી. આરોપીએ તમિલનાડુ ટેકસબુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાનું જણાવ્યું હતું.

કેવી રીતે સામે આવી ઘટના ?
જોકે 27 કરોડની રકમ ભર્યા બાદ પૈસા ભરાવનાર શખ્સનો ફોન બંધ થઈ ગયો તેમજ તેણે જણાવેલ એડ્રેસ પર તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.ફરિયાદીએ તમિલનાડુમાં તપાસ કરાવતા આવા કોઈ સરકારી ટેન્ડરની જવાબદારી ફરિયાદીના કોન્ટેક્ટમાં રહેલા વ્યક્તિને સોંપાઈ ન હતી. આમ ઠગાઈનો ભોગ બન્યાની જાણકારી મળતા ફરિયાદી વિશાલ ગાલાએ સાયબર સેલમાં ફરિયાદ કરી છે.
ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે કરોડોની છેતરપિંડી કેસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિગતો મુજબ ગાલા પ્રિન્ટ સિટીના MDને તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનુ ટેન્ડર અપાવવાની લાલચ અપાઈ હતી. આ સાથે રો મટીરીયલ્સમાંથી પણ 15-20% કમિશન આપવયનું કહ્યું હતું. જે બાદમાં ફરિયાદીને વિશ્વાસમા લેવા એડવાન્સ રકમ પણ ચૂકવી હતી. અને બાદમાં ઇસમોએ કરોડોની છેતરપિંડી કરી હતી. જેને લઈ હવે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
26 કરોડ 78 લાખની છેતરપિંડી
અત્યારે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવામાં અમદાવાદના આ કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે. કેમ કે આ વખતે સાયબર ક્રાઇમના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનુ ટેન્ડર અપાવવાના બહાને 26 કરોડ 78 લાખની છેતરપિંડી થઈ છે.