આખરે સુરતમાં આચાર્ય સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
શિક્ષણ પ્રથાને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સુરત શહેરના પુણાગામની શિક્ષણ સમિતિની સ્કૂલમાં બાળકો સાથે યૌન શોષણ કરનાર વિકૃત આચાર્યની સામે પુણા પોલીસે સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આખરે સુરત પાલિકાના અધિકારીઓ પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આચાર્ય સામે ફરિયાદ આપતા પોલીસે અધિકારીઓની ફરિયાદ અને વીડિયો ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શું હતી સમગ્ર ઘટના ?
પુણા પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ પુણાગામમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલીત શિક્ષણ સમિતિની શાળામાં બાળકો સાથે સ્કૂલના આચાર્ય દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યુ હતું. આ મામલે શિક્ષણ સમિતિના શાસનાધિકારીને જાણ કરવા છતાં કોઇ કડક પગલા લેવાયા ન હતા. એટલું નહિ પણ આચાર્યની કાળી કરતૂતને લઇને પુરાવા સ્વરૂપે એક પેન ડ્રાઇવ પણ રજૂ કરવામાં આવી હતી. આ પેન ડ્રાઇવમાં અંદાજીત 100 થી વધુ વીડિયો જોવા મળ્યા હતા. અને વીડિયોમાં બાળકો નગ્ન હાલતમાં જોવા મળ્યા હતા, તેમ છતાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.
કેમ ન થઈ હતી કાર્યવાહી ?
આખરે આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત થતા શાસનાધિકારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી. ત્યાર બાદ સોમવારે મોડી રાત્રે પુણાની સરકારી સ્કૂલના આચાર્ય નિશાંતકુમાર યોગેશચંદ્ર વ્યાસની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. નવાઇ ની વાત એ છે કે ફરિયાદ મળી હોવા છતાં પણ થોડા દિવસો સુધી પાલિકાના અધિકારીઓ તપાસ ના નામે સતત સમય જાણે પસાર કરતા હોય તેવું લાગતું હતું અને મીડિયામાં સતત અહેવાલો પ્રસારિત થતા આખરે અધિકારીઓ અને સત્તાધીશો માટે કોઈ જવાબ આપવા માટે રહ્યો ન હતો અને હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિકૃત આચાર્યની અટકાયત કરી હોવાની વિગતો પણ મળી છે.
નિશાંતકુમાર પોતે આચાર્ય હોવા છતાં તેઓએ બાળકનું યૌનશોષણ કર્યુ હોવાનુ પોલીસે કહ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં આચાર્ય નિશાંતકુમારે ધો.8 માં અભ્યાસ કરતા બાળકોની સાથે શોષણ કર્યુ હતું. જ્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આ બાબતે સતત વિરોધ પણ નોંધાવ્યો હતો અને વાલીઓ માં પણ આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે શિક્ષણના ધામમાં આ પ્રકારનું કૃત્ય સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે અનેક વિડિયો ક્લીપ છે તેમાંથી કેટલીક ક્લીપમાં વિદ્યાર્થીઓના ચહેરા સ્પષ્ટ જોવા મળે છે તેવા વિદ્યાર્થીની ઓળખ કરી તેને અને વાલીનો સંપર્ક કરી તેના નિવેદન લેવામાં આવશે ત્યાર બાદ સમગ્ર કિસ્સામાં એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.