શ્રીલંકાની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્યપદાર્થો અને દવાઓની પણ અછત સર્જાઈ છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં અહીં વેશ્યાવૃત્તિ ઝડપથી વધી રહી છે. અહીંયા ઘણી મહિલાઓને પોતાનું પેટ ભરવા માટે સેક્સ વર્કર બનવાની ફરજ પડી છે. આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં અહીં આડેધડ સેક્સ વર્ક ચાલી રહ્યું છે. ગ્રાહકો માટે પડદા અને પથારીઓ મૂકીને આ સ્પા સેન્ટરોને કામચલાઉ વેશ્યાલયમાં ફેરવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર સેક્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી મોટાભાગની મહિલાઓ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહી છે. જાન્યુઆરી સુધી કામ હતું, પરંતુ તે પછી દેશની કથળતી અર્થવ્યવસ્થાના કારણે તેને આ ધંધામાં આવવું પડ્યું છે તેવું તેઓનું કહેવું છે.
કથળતી અર્થવ્યવસ્થાને પગલે મહિલાઓએ સેક્સનો વિકલ્પ પસંદ કર્યો
શ્રીલંકાના દૈનિક અખબાર ધ મોર્નિંગ અનુસાર ટેક્સટાઇલ ઉદ્યોગમાં નોકરી કરતી મહિલાઓ નોકરી ગુમાવવાના ડર અને દેશની નબળી અર્થવ્યવસ્થાને કારણે વૈકલ્પિક રોજગાર તરીકે વેશ્યાવૃત્તિ તરફ વળી રહી છે. એક સેક્સ વર્કરે અખબારને કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે દેશમાં આર્થિક સંકટને કારણે અમે અમારી નોકરી ગુમાવી શકીએ છીએ અને આ સમયે અમે જે શ્રેષ્ઠ વિકલ્પ જોઈ રહ્યા છીએ તે છે સેક્સ વર્ક.’ મહિલાએ કહ્યું, “અગાઉના કામમાં, અમારો માસિક પગાર 28,000 રૂપિયાની આસપાસ હતો અને ઓવરટાઇમ સાથે અમે વધુમાં વધુ 35,000 રૂપિયા કમાઈ શકતા હતા. પરંતુ સેક્સ વર્કમાં સામેલ થઈને અમે દરરોજ 15,000 રૂપિયાથી વધુ કમાઈએ છીએ. દરેક જણ મારી સાથે સહમત થશે નહીં, પરંતુ તે સાચું છે. યુકેના ધ ટેલિગ્રાફે પણ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ વર્ષે જાન્યુઆરીથી કોલંબોમાં સેક્સ વર્કમાં સામેલ મહિલાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વધતી મોઘવારીના લીધે વેશ્યાવૃતિમાં થયો વધારો
રિપોર્ટ અનુસાર આ મહિલાઓ કોલંબોના અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે જેઓ અગાઉ કાપડ ઉદ્યોગમાં કામ કરતી હતી. આ અહેવાલોમાં સ્ટેન્ડ અપ મૂવમેન્ટ લંકા, શ્રીલંકામાં સેક્સ વર્કરોની હિમાયત કરનાર જૂથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં SUMLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિલા દાંડેનિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ મહિલાઓ તેમના બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનોનો બોજ ઉઠાવે છે. સેક્સ વર્ક એ ‘શ્રીલંકામાં બાકી રહેલા બહુ ઓછા વ્યવસાયોમાંથી એક છે જે ખૂબ જ ઝડપથી પૈસા કમાય આપે છે.’ વેશ્યાવૃત્તિમાં વધારો થવાના ઘણા કારણો છે, જેમાંથી મોંઘવારી સૌથી અગ્રણી છે. આ મુશ્કેલીગ્રસ્ત દેશમાં ઇંધણ, ખોરાક અને દવાઓની અછતને કારણે મહિલાઓ માટે સ્થિતિ વધુ ખરાબ બની છે. કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે મહિલાઓને ખોરાક અને દવાઓ જેવી આવશ્યક ચીજોના બદલામાં સ્થાનિક દુકાનદારો સાથે સેક્સ કરવાની ફરજ પાડવામાં આવે છે.
મહિલાઓને સેક્સ માટે કરવામાં આવે છે દબાણ
કથિત રીતે કોલંબોના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વેશ્યાવૃત્તિના વેપારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ રક્ષણના બદલામાં વેશ્યાલયના માલિકો મહિલાઓને પોલીસ કર્મચારીઓ સાથે સેક્સ માટે દબાણ કરે છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ અસહાય મહિલાઓને ગ્રાહકોની વિનંતી પર અસુરક્ષિત સેક્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. એટલું જ નહીં આ મહિલાઓને ઘણીવાર ગ્રાહકોનો ખરાબ વ્યવહાર અને મારપીટનો પણ સામનો કરવો પડે છે.