ખેડા જિલ્લા ચૂંટણી તંત્રની નવતર પહેલઃ ઉમેદવાર સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
- ઉમેદવાર સહાયતા કેન્દ્રમાં ઉમેદવારી પત્રક ભરવા સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે
નડિયાદ, 12 એપ્રિલઃ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરનાર ઉમેદવારોને માર્ગદર્શન અને મદદ આપવા માટે ખેડા જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ઉમેદવાર સહાયતા કેન્દ્રમાં જે તે ઉમેદવારોને ઉમેદવારી પત્રક ભરવા તથા રજૂ કરવા સંબંધી સૂચનાઓ, ઉમેદવારી પત્રના વિવિધ નમૂનાઓ, સોગંદનામું, ઉમેદવારે લેવાની પ્રતિજ્ઞા, ચૂંટણી સંબંધી કાયદાકીય જોગવાઈઓ, ચૂંટણી ખર્ચ સંબંધી કાયદાકીય જોગવાઈઓ, ચૂંટણી એજન્ટ નિમણૂક પ્રક્રિયા, ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા, ઉમેદવારી માટેની ડિપોઝિટ રકમ, બેન્ક એકાઉન્ટની વિગતો, ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે વ્યક્તિ અને વાહનોની સંખ્યાના નિયંત્રણ અંગે, પ્રતીકની પસંદગી અંગે, ઉમેદવારના ગુનાહિત પૂર્વે ઇતિહાસની પ્રસિદ્ધિ અંગે, સરકારી આવાસ / રહેઠાણ અંગેના બાકી લેણા અંગે સહિતની અગત્યની બાબતો પર જિલ્લા ચૂંટણી વિભાગના નિયુક્ત કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે તા. 12-04-2024ના રોજ 17-ખેડા લોકસભા બેઠકની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા તા.12-04-2024 થી 19-04-2024 સુધી (જાહેર રજાના દિવસ સિવાય) ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે.
આ પણ વાંચોઃ શું દરિયામાં 60 ફૂટ નીચે પણ થશે મતદાન? ચૂંટણીપંચે વીડિયો જારી કર્યો