BRS નેતા કે. કવિતાની ED બાદ હવે CBIએ ધરપકડ કરી કસ્ટડી લીધી
- દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા કવિતાની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી, 11 એપ્રિલ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા કે. કવિતાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ(ED) બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ તેલંગાણાના ભૂતપૂર્વ CM કેસીઆરની પુત્રી અને BRS નેતા કે. કવિતાની આજે ગુરુવારે ધરપકડ કરી હતી. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે CBIએ કવિતાની જેલમાં પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 15 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી હતી. 9 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં કે. કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. અગાઉના જ્યુડિશિયલ કસ્ટડીના સમયગાળાના અંતે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
Central Bureau of Investigation takes custody of BRS MLC K Kavitha, in connection with Delhi excise policy case
(File photo) pic.twitter.com/wm80dvpIEp
— ANI (@ANI) April 11, 2024
કોર્ટમાં રજૂ કરી કસ્ટડીની માગણી?
CBIએ આજે કે. કવિતાની જેલમાંથી ધરપકડ કરી છે. તેઓ 24 કલાકમાં કે. કવિતાને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીની માગણી કરશે. CBIએ ભ્રષ્ટાચાર નિવારણ અને 120B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં ખુલાસો થયો કે, કે. કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
કવિતાને વચગાળાના જામીન મળ્યા નથી
અગાઉ સોમવારે, કોર્ટે કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તેણે માત્ર પુરાવાનો નાશ કર્યો નથી પરંતુ સાક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે અને જો તેને રાહત આપવામાં આવે છે, તો ‘સંપૂર્ણ સંભાવના’ છે કે તે આ ચાલુ રાખશે. EDએ આરોપ લગાવ્યો છે કે, વિધાન પરિષદના સભ્ય અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા ‘સાઉથ ગ્રૂપ’ની મુખ્ય સભ્ય છે, જેના પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દારૂના લાયસન્સમાં મોટો હિસ્સો મેળવવાના બદલામાં સત્તારૂઢી આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ છે.
આ પણ જુઓ:સારો દારુ સસ્તામાં જોઈએ છે? તો અમને મત આપી સરકાર બનાવો, કોણે કહ્યું આવું?