દાહોદ જિલ્લામાં ગઈકાલે રાત્રે ફરી લાઈટવાળા ડ્રોન દાખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ, ભેદ ઉકેલવા લોકોની માગ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા, ચુંદડી સહિત આસપાસના ગામડાઓમાં ગતરાત્રિના સમયે આકાશમાં ઉડતા ડ્રોન કેમેરા ફરતા જોવા મળ્યા હતા, રાત્રિના સમયે આકાશમાં ઉડતા ડ્રોન કેમેરા જોઈ ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયાની સાથે સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર રાત્રીના 11 વાગ્યાથી સવાર સુધી ડ્રોન કેમેરા અલગ અલગ જગ્યાએ જોવા મળતા લોકોએ જાગરણ કર્યું હતું. ચોમાસાની ઋતુમાં ડ્રોન કેમેરાથી રેકી કરી આવનાર સમયમાં વિસ્તારમાં ચોરી થવાની સંભાવનાઓ સેવાઈ રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના આકાશમાં છેલ્લા 15 દિવસથી રાત્રીના સમયે ગ્રામીણ વિસ્તારોમાં લાઇટવાળા ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો છે. ગોધરા તાલુકા, શહેરા તાલુકા તથા મોરવાહડફ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે ડ્રોન દેખાતાં ગ્રામજનો એકઠા થઇને ડ્રોનનો પીછો કરતાં અંધારામાં ડ્રોન અલોપ થઇ ગયું હતુ. રાતના 8 થી 11 કલાક સુઘી ઉડતા ડ્રોનને પકડવા પોલીસે જમીન આસમાન એક કરી દીઘું પણ જિલ્લાના આકાશમાં ઉડતા ડ્રોનનું સહસ્ય અંકબંધ રહેતાં ગ્રામજનોમાં ફડડાટ પેસી ગયો છે.
તાજેતરમાં ટીમ્બા ગામ પાસે ખેતરમાંથી ડ્રોન મળતા કાંકણપર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોધાઇ હતી. રાત્રીમાં કાંકણપુર પોલીસ મથકના વિસ્તારોમાં વોચ ગોઠવી પણ ડ્રોનને પકડવામાં સફળતા મળી ન હતી. રાત્રીમાં ઉડતા ડ્રોનને લઇને મોરવાહડફ તાલુકાના 40થી વઘુ સરપંચોએ ડ્રોન બાબતે બેઠક યોજી મામલતદારને આવેદનપત્ર આપીને આકાશમાં દેખાતા ડ્રોનનો ઉકેલ લાવવા નિષ્ણાંતોની ટીમને કામે લગાવવાની માગ કરી હતી.