ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે રામદેવ-બાલકૃષ્ણની માફી નકારી, કહ્યું- ‘અમે બધું સમજીએ છીએ’

નવી દિલ્હી, 10 એેપ્રિલ: પતંજલિ આયુર્વેદ દ્વારા કોરોનાની દવા કોરોનિલને લઈને આપવામાં આવેલી ભ્રામક જાહેરાતોના મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરીથી કડક વલણ દાખવ્યું છે. કોર્ટે આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફી નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આંધળા નથી, અમે આખી વાત જોઈ અને સમજી રહ્યા છીએ. કોર્ટે બાબા રામદેવ અને પતંજલિની માફી માંગતી બીજી એફિડેવિટને ફગાવી દીધી અને કહ્યું કે તમે તિરસ્કારની કાર્યવાહી માટે તૈયાર રહો.

સુપ્રીમ કોર્ટે માફીને નકારી કાઢી

કોર્ટે કહ્યું કે અમે તમારી સાથે જરાય સહમત નથી. અમે આ માફીનો અસ્વીકાર કરીએ છીએ. તેના પર બાબા રામદેવ અને પતંજલિનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમને 10 દિવસનો સમય આપો અને પછી આગામી સુનાવણીમાં વાત કરીએ. મહત્ત્વનું છે કે, યોગ ગુરુ રામદેવ આ મામલે પહેલા જ માફી માંગી ચૂક્યા છે અને કોર્ટમાં કહ્યું હતું કે તેઓ આ જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે. આ પછી પણ આ જાહેરાતો ચાલુ રહી જેના પર કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે માફી કાગળ પર છે. તેમ છતાંય તમે આ બધું ચાલુ રાખ્યું. અમે હવે તમારી માફીનો અસ્વીકાર કરીએ છીએ અને આગળની કાર્યવાહી માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે.

એટલું જ નહીં, બેન્ચમાં સામેલ જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે અમે અંધ નથી. તેના પર પતંજલિનો બચાવ કરતા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આવી ભૂલો થઈ જાય છે. આ દલીલના જવાબમાં ખંડપીઠે કહ્યું કે જો લોકો ભૂલ કરે છે તો તેનું પરિણામ પણ ભોગવે છે. અમે આ મામલે એટલી નમ્રતા નહીં દાખવીએ. કોર્ટની કાર્યવાહી શરૂ થતાં જ મુકુલ રોહતગીએ બાબા રામદેવનું નિવેદન વાંચ્યું અને કહ્યું કે તેઓ કોઈપણ શરત વિના માફી માંગે છે.

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પર કડકાઈ વર્તી

જસ્ટિસ કોહલીએ પણ કેન્દ્ર સરકાર પર કડકાઈ દાખવતા કહ્યું કે તમે જાણી જોઈને આ મામલાને રફેદફે કરવાના પ્રયત્નો કર્યા અને અવગણના કરનારા સાથે ઊભા રહ્યા. કોર્ટે કહ્યું કે તમારા અધિકારીઓએ આ મામલે કંઈ કર્યું નથી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પણ આજે આ મામલે એફિડેવિટ દાખલ કરી છે. સરકારે કહ્યું કે અમે આ ભ્રામક જાહેરાતો વિશે પતંજલિ આયુર્વેદને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે અને જ્યાં સુધી આયુષ મંત્રાલય દ્વારા કોરોનિલની તપાસ ચાલી રહી છે ત્યાં સુધી આગળ ન વધવા કહ્યું છે. એટલું જ નહીં, સરકારે કહ્યું કે અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે પગલાં લેવા કહ્યું છે.

આ પણ વાંચો: પતંજલિ પ્રોડક્ટ્સ અંગે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ SCમાં બિનશરતી માફી માંગી

Back to top button