કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024

જામનગરના જામ સાહેબે ક્ષત્રિયોને કર્યો હુંકારઃ રાજપૂતો એકતા બતાવી રૂપાલાને હરાવો

Text To Speech

જામનગર, 09 એપ્રિલ 2024, રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. રૂપાલાના આ નિવેદન મામલે ભાવનગર અને કચ્છના રાજવી પરિવાર બાદ હવે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા સામે આવી છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવેલા ‘જૌહર’ના સંકલ્પની ટીકા પણ કરી છે અને કહ્યું છે કે, આ કિસ્સામાં ‘જૌહર’નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.

જામનગરના જામસાહેબે પત્ર જાહેર કરી નારાજગી વ્યકત કરી
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા 23 માર્ચના રોજ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીને લઈ એક વિવાદિત ટીપ્પણી કરી હતી. રૂપાલાના આ નિવેદન અંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક પત્ર જાહેર કરી નારાજગી વ્યકત કરી છે. રાજપૂત સમાજને સંબોધતા કહ્યું છે કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય, પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.

કચ્છનાં મહારાણીએ રૂપાલાના નિવેદનને વખોડ્યું
રૂપાલાના નિવેદનને હવે એક બાદ એક રાજવી પરિવારો દ્વારા પણ વખોડવામાં આવી રહ્યું છે. સોમવારે કચ્છનાં મહારાણી પ્રીતિદેવી દ્વારા એક પત્રના માધ્યમ દ્વારા રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને વખોડવામાં આવ્યું હતું. પ્રીતિદેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘ આ શબ્દો માફીને લાયક નથી’

આ પણ વાંચોઃભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગઃ ચાર પક્ષો વચ્ચેની લડાઈમાં કોની થશે જીત?

Back to top button