ગુજરાત બહારના કર્મચારીઓને મતદાનના દિવસે રજા આપવાની રહેશે
- રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં રહેતા કર્મચારીઓ માટે ચુંટણી રજાનું આયોજન કરવામાં આવ્યું
મોરબી, 9 એપ્રિલ: મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા ગુજરાત બહારના શ્રમયોગીઓ તેમજ કર્મચારીઓ લોકસભાની ચૂંટણી-2024 અંતર્ગત મતદાન કરી શકે તે માટે તેમને ખાસ રજા આપવા માટે વ્યવસ્થા કરવા મોરબી મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાત બહારના કર્મચારીઓને વિવિધ સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મતદાન માટે અઠવાડિક ખાસ રજા આપવાની રહેશે.
લોકસભાની ચૂંટણી અન્વયે રાજસ્થાનમાં તા.26 એપ્રિલને શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તા.13-મેને સોમવારના રોજ તથા તા.20-મેને સોમવારના રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે મોરબી જિલ્લામાં રહેતા હોય તેવા મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક અને સહકારી બેંક, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલ, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ કચેરીઓને ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ-શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા માઈગ્રેટરી નોડલ ઓફિસર અને મદદનીશ આયુક્ત જે.આર. જાડેજાએ જણાવ્યું છે.
આ પણ જુઓ: દેશમાં સાત શક્તિપીઠ ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન