કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજકોટથી ચૂંટણી લડવા પરેશ ધાનાણી માન્યા, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો લડશે

Text To Speech

રાજકોટ, 09 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે અને જોરશોરથી પ્રચાર પણ શરૂ કર્યો છે. ત્યારે રાજકોટ બેઠક પર કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડુ ઉકેલવા ખુદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કામે લાગ્યાં છે. આ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે તેમની સામે પરેશ ધાનાણીને લડવા માટે તૈયાર કરવા પૂર્વ ધારાભ્ય લલિત સહિતના નેતાઓ અમરેલી પહોંચ્યા હતાં. તેમણે પરેશ ધાનાણીને રાજકોટથી લડવા માટે તૈયાર કર્યાં છે અને આખરે અગાઉ ચૂંટણી લડવાનો ઈનકાર કરનાર ધાનાણીએ હવે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.

રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી લડશે
અમરેલી પહોંચેલા લલિત કગથરાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે બધા કાર્યકર્તાઓ અમરેલી આવ્યા છીએ. અમે પરેશ ભાઇને કહીએ છીએ કે રૂપાલા ભાઇનું જે વાતાવરણ બન્યું છે. તેનો લાભ ઉઠાવવાનો છે એટલે તમારે હવે રાજકોટથી લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણીએ લડવાનું છે. સંજોગો વસાત રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશભાઈને સામેથી કહી દઇએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું અને પરેશભાઇએ પણ અમારી લાગણીનું માન રખ્યું છે.

રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય પીઠ નથી દેખાડી, નેતૃત્વને જ્યારે જરૂર પડી ત્યારે પરેશ ધાનાણીએ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.

આ પણ વાંચોઃકમલમને ઘેરવાની ચીમકી ઉચ્ચારનાર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

Back to top button