1000 રન, 100 વિકેટ અને 100 કેચ… IPLના ઈતિહાસમાં આ ખેલાડીએ મેળવી સિદ્ધિ
ચેન્નાઈ, 9 એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો 7 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનો હીરો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ અદભૂત બોલિંગ કરી હતી અને સાથે જ મજબુત ફિલ્ડિંગ પણ કરી હતી. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જેને IPLના ઈતિહાસમાં કોઈ બનાવી શક્યું નથી.
રવિન્દ્ર જાડેજાના IPLમાં 100 કેચ પૂરા
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. 4 ઓવમાં તેણે માત્ર 18 રન આપ્યા અને 4 વિકેટ પોતાના નામે કરી હતી. એટલું જ નહીં રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ખેલાડી તરીકે 2 કેચ પણ કર્યા હતા. આ બે કેચ સાથે તેણે આઈપીએલમાં પોતાના 100 કેચ પૂરા કર્યા છે. તે IPLમાં 100 કેચ ઝડપનાર 5મો ખેલાડી બન્યો છે.
IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
રવિન્દ્ર જાડેજા IPLના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંના એક છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 2776 રન બનાવ્યા છે. તેણે આઈપીએલમાં 156 વિકેટ પણ લીધી છે અને હવે તેણે 100 કેચ પણ પૂરા કર્યા છે. જાડેજા આઈપીએલના ઈતિહાસમાં 1000 રન બનાવનાર અને 100 વિકેટની સાથે 100 કેચ પણ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી આઈપીએલમાં એક સાથે આ ત્રણ માઈલસ્ટોનને સ્પર્શ કરી શક્યો નથી.
IPLમાં 92 ખેલાડીઓએ 1000 કે તેથી વધુ રન બનાવ્યા છે. તે જ સમયે, 24 બોલરોએ 100 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે અને 5 ખેલાડીઓએ 100 કે તેથી વધુ કેચ પકડ્યા છે. પરંતુ રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવો ખેલાડી છે જેનું નામ ત્રણેય લિસ્ટમાં છે.
રવિન્દ્ર જાડેજાના રન, વિકેટ, કેચના આંકડા
- 2776 રન
- 156 વિકેટ
- 100 કેચ
આ પણ વાંચો: આ વિદેશી ખેલાડીઓએ પણ IPLમાં બનાવ્યા છે ઢગલાબંધ રન