ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપની અનોખી પહેલ, ચૂંટણી પ્રક્રિયા જોવા માટે વિશ્વભરના નેતાઓને મોકલ્યું આમંત્રણ

નવી દિલ્હી, 09 એપ્રિલ: આજે દેશ લોકશાહીનો પર્વ ઉજ્જવવા ઉત્સાહિત છે. લોકસભા ચૂંટણીને લઈને દેશમાં ઝંઝાવતી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. જો કે, આ વર્ષે દુનિયાના 50થી વધુ દેશોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અથવા થઈ ચૂકી છે. ભાજપે ભારતમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા જોવા માટે વિશ્વના ઘણા દેશોમાં સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. પરંતુ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું નામ આ આમંત્રણ યાદીમાં નથી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને વિદેશી સેલના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું કે ચૂંટણીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે અન્ય દેશની પાર્ટીઓને ચૂંટણી પ્રક્રિયા જોવા માટે આમંત્રણ અપાયું હોય.

વિશ્વભરના 15 રાજકીય પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું

બ્રિટનના કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીઓના નેતાઓ, જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ અને સોશિયલ ડેમોક્રેટ્સ, અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓને ભારતની ચૂંટણી પ્રક્રિયા જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના પાડોશી રાજ્ય નેપાળની શાસક સરકારમાં સામેલ તમામ પાંચ પક્ષોના નામ પણ આમંત્રણ યાદીમાં સામેલ છે. કુલ બે ડઝનથી વધુ રાજકીય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને કેટલીક વધુ પાર્ટીઓને પણ મોકલવામાં આવી શકે છે. બીજી તરફ, વિશ્વભરના 15 રાજકીય પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું છે. તે બધાને ત્રીજા અને ચોથા તબક્કાની એટલે કે 7મી અને 13મી મેના રોજ યોજાનારી ચૂંટણી પ્રક્રિયાના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની પાછળનો હેતુ દુનિયાને બતાવવાનો છે કે ભારતમાં ચૂંટણી કેવી રીતે થાય છે.

અમેરિકા, યુરોપિયન દેશોમાં આ વર્ષે યોજાશે ચૂંટણી

2024નો વર્ષ ચૂંટણીનો વર્ષ છે. દુનિયાની મહાસત્તા અમેરિકામાં 5 નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં પણ ડેમોક્રેટ નેતા અને પ્રમુખ જો બાઇડેન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો થશે. બાઇડને છેલ્લી ચૂંટણીમાં ટ્રમ્પને હરાવ્યા હતા. અત્યાર સુધી બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. જ્યારે યુરોપિયન સંસદ 2024 માટેની ચૂંટણી 6 થી 9 જૂન, 2024 વચ્ચે યોજાશે. આ ચૂંટણી યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશોમાં યોજાય છે. આ ઉપરાંત, ઘાનામાં આ વર્ષે 7 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

રશિયા, પાકિસ્તાન સહિત આ દેશોમાં યોજાઈ ચૂંટણી

2024ના શરૂઆતના મહિનામાં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે. આ સિવાય તાઈવાનમાં 2024માં પ્રમુખપદની ચૂંટણી પણ યોજાઈ ચૂકી છે માર્ચ મહિનામાં ઈન્ડોનેશિયામાં પણ ચૂંટણી યોજાઈ હતી અને ત્યાં પ્રબોવો સુબિયાન્તો પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.રશિયામાં ગયા મહિને જ ચૂંટણી યોજાઈ હતી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન ફરી એકવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેમને લગભગ 88% વોટ મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે. જ્યારે પરિણામ 4 જૂને આવશે.

આ પણ વાંચો: પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન ચાલુ, ચૂંટણી અધિકારીઓ ઘરે-ઘરે જઈને કરાવી રહ્યા છે વૉટિંગ

Back to top button