રામાયણના ‘લંકેશે’ ધ્વસ્ત કર્યો હતો કોંગ્રેસનો સાબરકાંઠાનો ગઢ, જાણો આ વખતે કોનું પલડું ભારે
અમદાવાદ, 8 એપ્રિલ 2024, ગુજરાતમાં ભાજપે 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે જબરદસ્ત પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે મેરઠથી રામાયણ સિરિયલના રામ અરૂણ ગોવિલને ટીકિટ આપી છે. પરંતુ ગુજરાતની બે બેઠકો પર પણ રામાયણ સિરિયલના બે કિરદારોએ ચૂંટણી લડી હતી. લંકેશનો અભિનય કરનાર અરવિંદ ત્રિવેદી 1991માં સાબરકાંઠા અને સીતા બનેલા દીપિકા ચિખલિયા વડોદરાથી ચૂંટણી લડ્યા હતાં.આ બંને જણા એ સમયે ભાજપની ટીકિટ પર ચૂંટણી લડીને જીત્યા હતાં. પરંતુ હવે આ બંને બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બદલવાની ફરજ પડી છે. તો આવો જાણીએ બંને બેઠકો પર કોના માટે કપરાં ચઢાણ છે.
કોંગ્રેસનો ગઢ છેવટે ‘લંકેશે’ ધરાશાયી કર્યો
સાબરકાંઠા લોકસભા બેઠક પર કૉંગ્રેસનો દબદબો આમ તો 1951થી લઈને 1973 સુધી રહ્યો હતો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ અહીંથી વિજેતા બન્યા હતા.આઝાદીથી લઈને આજ સુધી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની, જયારે 1991માં ભાજપને અહીંથી પહેલીવાર વિજય મળ્યો હતો. રામાયણ સિરિયલમાં રાવણ તરીકે લોકપ્રિય બનેલા અરવિંદ ત્રિવેદી ભાજપના ઉમેદવાર તરીકે અહીંથી જીત્યા હતા. એ પછી 1996માં અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પત્ની નીશા ચૌધરી વિજેતા બન્યાં હતાં. 2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસી ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા સામે ભાજપના દિપસિંહ રાઠોડનો મુકાબલો હતો અને કૉંગ્રેસ માટે મજબુત ગણાતી આ બેઠક પર પણ કૉંગ્રેસના બાપુને હારનો સામનો કરવો પડ્યો હતો.
સાબરકાંઠામાં ભાજપમાં આંતરકલહ કેવું પરિણામ લાવશે
સાબરકાંઠા બેઠક હોય કે હિંમતનગર વિધાનસભા બેઠક ભાજપમાં આંતરકલહ કાયમ જોવા મળ્યો છે વર્ષ 2012માં ભાજપ સંગઠનની નિષ્ક્રિયતાએ ભાજપના જ પ્રફુલકુમાર પટેલને હરાવ્યા હતા. જ્યારે 2014ની પેટા ચૂંટણી અને 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ પરત ભાજપમાં આવેલ રાજેન્દ્રસિંહ ચાવડાની પાતળી સરસાઈથી જીત થઈ હતી. જેમાં પણ ભાજપના કાર્યકરોની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ 2022માં હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ ચાવડાની બાદબાકી કરી પ્રાંતિજ તાલુકાના વીડી ઝાલાને ઉતારવામાં આવ્યા હતા. તેમાં પણ સંગઠનમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ તમામ વખતે બે ચાર દિવસમાં આંતરકલહ શમી ગયો હતો પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં કાર્યકરોમાં અગમ્ય કારણોસર ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે જે પ્રથમવાર બન્યું છે.
કોંગ્રેસે ભાજપના અસંતોષનો ફાયદો ઉઠાવવા કમરકસી
આ વખતે ભાજપે વર્તમાન સાંસદ દીપસિંહનું પત્તુ કાપીને ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યાર બાદ અચાનક ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. ભાજપે ભીખાજીની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. શોભનાબેન બારૈયાના નામની જાહેરાત થયા બાદ ભીખાજીના સમર્થકોએ હલ્લાબોલ કર્યો હતો. ત્યાર બાદ ભીખાજીએ પ્રદેશ મોવડીમંડળ સાથે બેઠક કરીને કહ્યું હતું કે, હું સમર્થકોને સમજાવીશ અને શોભનાબેનને જીતાડવા માટે મહેનત કરીશું એવું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ સાબરકાંઠામાં આદીવાસી મતોને અંકે કરવા માટે આગળ વધી રહી છે. હવે આ બેઠક પર ભાજપમાં અસંતોષ કોને જીતાડશે એતો સમય બતાવશે.
સાબરકાંઠાના કુલ મતદાર
કુલ—19,66,616 મતદાર
10,01,631—પુરુષ મતદાર
9,64,917–સ્ત્રી મતદાર
અન્ય મતદાર—68
સાબરકાંઠાના જ્ઞાતિવાદી સમીકરણ
ઠાકોર- 13 ટકા
આદિવાસી- 11 ટકા
મુસ્લિમ- 9 ટકા
પાટીદાર- 7 ટકા
દલિત- 7 ટકા
આ પણ વાંચોઃમહામંડલેશ્વર કિન્નર હિમાંગી સાખી વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી, 5 ભાષાઓમાં કરે છે ભાગવત કથા