વકીલોનું સંગઠન છે કે ઓલ્ડ બોયઝ ક્લબ: શા માટે CJI ચંદ્રચુડ થયા ગુસ્સે? જાણો
- CJI ચંદ્રચુડે દેશભરની બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનમાં મહિલાઓની અછત પર નારાજગી કરી વ્યક્ત
નવી દિલ્હી, 8 એપ્રિલ: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ ખાતે હાઈકોર્ટ બાર એસોસિએશનના ત્રણ દિવસીય શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં CJI ચંદ્રચુડે દેશભરની બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનમાં મહિલાઓની અછત પર નારાજગી વ્યક્ત કરી હતી અને વકીલોના સંગઠનોમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યક્રમના સંબોધનમાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, વકીલોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓમાં મહિલાઓની ચૂંટણી માટે અનુકૂળ પરિસ્થિતિઓનો અભાવ છે. આ કારણે વકીલોના સંગઠનો એટલે કે બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ‘ઓલ્ડ બોયઝ ક્લબ’ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં મહિલા વકીલોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે, તેમ છતાં ચૂંટાયેલા બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનમાં તેમની ભાગીદારી હજુ વધી નથી.
“Old boys club”: CJI DY Chandrachud flags low representation of women in bar bodies
report by @Neha_Jozie https://t.co/MOBuRoyGKw
— Bar and Bench (@barandbench) April 6, 2024
CJI ચંદ્રચુડે બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનને કર્યા પ્રશ્નો
કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં CJI ચંદ્રચુડે પૂછ્યું કે, “મહિલા વકીલોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો હોવા છતાં, શા માટે આ ગતિ અને વલણ ચૂંટાયેલા બાર એસોસિએશન અથવા બાર કાઉન્સિલના માળખામાં પ્રતિબિંબિત થતું નથી. જ્યારે ચૂંટણી લડવામાં કોઈ ઔપચારિક અવરોધ નથી અને મહિલા વકીલોની સંખ્યા પણ સતત વધી રહી છે, ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થવાનો છે કે શા માટે વધુને વધુ મહિલાઓ બાર એસોસિએશન કે બાર કાઉન્સિલની ચૂંટણી લડી રહી નથી અને તેઓ શા માટે જીતી નથી રહી?
ચીફ જસ્ટિસે બાર કાઉન્સિલમાં એક પણ મહિલા ન હોવા પર વિશેષ ચિંતા વ્યક્ત કરી
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, CJIએ બાર એસોસિએશનના સભ્યોની પેન્ડિંગ કેસો અને કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર ટિપ્પણી કરવાની વૃત્તિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે બાર એસોસિયેશન સહિત ન્યાયતંત્રમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીફ જસ્ટિસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં એક પણ મહિલા અધિકારી ન હોવા અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. એ જ રીતે, તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની કારોબારી સમિતિમાં માત્ર એક મહિલા સભ્ય છે.
2021ના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે, 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્ટેટ બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં માત્ર 2.04 ટકા મહિલાઓ છે. CJIએ મહિલા વકીલોને પણ વિનંતી કરી કે, તેઓ બાર એસોસિએશનમાં તેમનું સ્થાન મજબૂત કરે. તેમણે મહિલાઓને “આગળ આવવા, ચૂંટણી લડવા અને જવાબદારીના હોદ્દા સંભાળવા” માટે આહ્વાન કર્યું હતું.
આ પણ જુઓ: સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગટીકરણઃ મોહનજી ભાગવત