રાજકોટ : વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ
રાજકોટ, 7 એપ્રિલ : રાજકોટની લોકસભા બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારે આ બેઠક ભાજપના જ ફાળે જશે તેવી અટકળો અને અનુમાનો રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરવા લાગ્યા હતા. જો કે નામ જાહેર થયાના થોડા જ દિવસ બાદ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને અપાયેલા નિવેદન બાદ આ બેઠક ઉપર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે. એક બાજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર ‘અડગ’ છે તો બીજી બાજુ પક્ષ રૂપાલાને જ રાજકોટ બેઠક પરથી લડાવવા માટે ‘અડીખમ’ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રૂપાલાની તરફેણમાં ઠેર-ઠેર પોસ્ટર પણ લાગી ચૂક્યા છે સાથે સાથે ખુદ રૂપાલાએ પણ કાર્યકરોને હાકલ કરી છે કે તેઓ ઉમેદવારી નોંધાવવા જાય એટલે બધાએ પાઘડી પહેરીને આવવાનું રહેશે. આ બધાની વચ્ચે ભાજપના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રૂપાલા ૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે.
બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા યોજાશે
રૂપાલા જે દિવસે ફોર્મ ભરવાના છે તે પછીના દિવસ એટલે કે ૧૭ એપ્રિલે રામનવમીનું પાવન પર્વ પણ છે તે પહેલાં જ તેઓ અહીં ઉમેદવારી નોંધાવી દેશે. સૂત્રોએ જણાવ્યું કે રૂપાલાનું ૧૬ એપ્રિલે ફોર્મ ભરવાનું નક્કી થઈ ગયું છે અને તેઓ ફોર્મ ભરવા જશે તે પહેલાં બહુમાળી ચોકમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે જેમાં પક્ષના નાનામાં નાના કાર્યકરથી લઈ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. સભાને સંબોધન કર્યા બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રૂપાલા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
સહમતિ સાથે ઘર ઉપર ઝંડી લગાવાશે
દરમિયાન શહેર-જિલ્લા ભાજપ પ્રચારનો બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રચારના બીજા રાઉન્ડમાં રાજકોટ શહેરના 2 લાખ ઘર ઉપર માલિકની સહમતિ લઈને ભાજપ દ્વારા ઝંડીઓ લગાવવામાં આવશે. સહમતિ એટલા માટે કેમ કે ભવિષ્યમાં કોઈ એમ ન કહે કે, તેમના ઘર ઉપર ધરારથી ઝંડી લગાવવામાં આવી છે.