ટીવી-ફ્રિજનું બિલ વધારશે હેમંત સોરેનની મુશ્કેલીઓ! EDએ પુરાવાઓમાં કર્યા સામેલ
- હેમંત સોરેન પર 31 કરોડ રૂપિયાથી વધુની 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાંચી સ્થિત બે ડીલરો પાસેથી આ બિલની રસીદો મેળવીને પુરાવા બનાવ્યા
નવી દિલ્હી, 7 એપ્રિલ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પર 31 કરોડ રૂપિયાથી વધુની 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ લગાવ્યો છે. આ દાવાના સમર્થનમાં EDએ હવે ફ્રિજ અને સ્માર્ટ ટીવીના બિલને પણ પુરાવાઓમાં સામેલ કર્યા છે. સંઘીય તપાસ એજન્સીએ રાંચી સ્થિત બે ડીલરો પાસેથી આ રસીદો મેળવી હતી અને ગયા મહિને 48 વર્ષીય ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા અને અન્ય ચાર સામે દાખલ કરવામાં આવેલી તેની ચાર્જશીટમાં તેનો સમાવેશ કર્યો હતો. રાંચીમાં જસ્ટિસ રાજીવ રંજનની વિશેષ PMLA કોર્ટે 4 એપ્રિલે ચાર્જશીટની નોંધ લીધી હતી.
હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તરત જ કથિત જમીન હડપ કરવાના મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે રાંચીના હોટવારની બિરસા મુંડા જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ છે. EDએ 191 પાનાની ચાર્જશીટમાં હેમંત સોરેન, રાજકુમાર પહાન, હિલારિયાસ કછાપ, ભાનુ પ્રતાપ પ્રસાદ અને બિનોદ સિંહને આરોપી બનાવ્યા છે.
સંતોષ મુંડાના નામે ટીવી-ફ્રિજ ખરીદવામાં આવ્યા હતા
ED અનુસાર, બંને ઉપકરણો સંતોષ મુંડાના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવ્યા હતા. સંતોષ મુંડાએ એજન્સીને જણાવ્યું હતું કે, તે જમીન (8.86 એકર) પર 14-15 વર્ષથી રહેતો હતો અને હેમંત સોરેન માટે આ મિલકતની સાર-સંભાળ રાખતો હતો. એજન્સીએ મુંડાના નિવેદનનો ઉપયોગ સોરેનના દાવાને રદિયો આપવા માટે કર્યો હતો કે તેનો (સોરેન) ઉક્ત જમીન સાથે કોઈ સંબંધ નથી. EDએ જમીન પર રાજકુમાર પહાન નામના વ્યક્તિના દાવાને પણ નકારી કાઢ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે, તે સોરેનનો સહયોગી છે, જેણે મિલકત તેના નિયંત્રણ હેઠળ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.
ED એ દાવો કર્યો હતો કે, ગયા વર્ષે ઓગસ્ટમાં આ કેસમાં સોરેનને પ્રથમ સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તરત જ પહાને રાંચીના ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, અન્ય માલિકોના નામે અગાઉ થયેલા મ્યુટેશનને રદ્દ કરીને તેમને તેમની મિલકતમાંથી બહાર કાઢવામાંથી બચાવી લેવામાં આવે.
સોરેનની ધરપકડ પહેલા જમીન પાછી આપવામાં આવી: ED
EDએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકારે સોરેનની ધરપકડના બે દિવસ પહેલા, 29 જાન્યુઆરીએ પહાનને જમીન ‘પાછી’ આપી હતી, જેથી JMM નેતાનું નિયંત્રણ અને કબજો રહે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, જમીન મૂળભૂત રીતે ‘ભુઈંહારી’ મિલકત છે, જે સામાન્ય સંજોગોમાં કોઈને પણ ટ્રાન્સફર અથવા વેચી શકાતી નથી અને ‘મુંડા’ અને ‘પહાન’ આવી જમીનની મિલકતના માલિક તરીકે ઊભા હતા. EDએ દાવો કર્યો હતો કે, જમીન મૂળ માલિકો દ્વારા કેટલાક લોકોને વેચવામાં આવી હતી. પરંતુ હેમંત સોરેને તે ખરીદદારોને ‘કાઢી નાખ્યા’ અને 2010-11માં જમીન પર નિયંત્રણ મેળવી લીધું.
એજન્સીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી 2017માં મુંડાના પુત્રના નામે એક રેફ્રિજરેટર ખરીદવામાં આવ્યું હતું, જ્યારે તેની પુત્રીના નામે એક સ્માર્ટ ટીવી નવેમ્બર 2022માં ખરીદવામાં આવ્યું હતું અને તે જમીનના સરનામે ખરીદવામાં આવ્યું હતું. EDએ કહ્યું કે, તે સાબિત કરે છે કે સંતોષ મુંડા અને તેનો પરિવાર આ મિલકતમાં રહેતો હતો અને તે આરોપી રાજકુમાર પહાનના કબજામાં નથી. એજન્સીએ દાવો કર્યો હતો કે રાજકુમાર પહાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના સહયોગી તરીકે કામ કરતો હતો જેથી કોઈક રીતે મિલકત પહાન અને તેના પરિવારના સભ્યોના કબજામાં રહેલી દેખાડી શકાય અને સોરેન સામેના પુરાવા સાથે છેડછાડ કરી શકાય.