કેરળના એકઝામ સેન્ટરમાં ચેકિંગના નામે તમામ હદ પાર, NEETની પરીક્ષા આપવા આવેલી છાત્રાઓની બ્રા ઉતારાવી
કેરળના કોલ્લમ જિલ્લાના એક એક્ઝામ સેન્ટરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET આપવા પહોંચેલી છાત્રાઓની બ્રા ઉતરાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સુરક્ષા તપાસ દરમિયાન હુકના સંપર્કમાં આવવાથી મેટલ ડિરેક્ટરનું બીપ વાગ્યું, જે બાદ તમામ છાત્રાઓની બ્રા ઉતારાવી હતી. આ ઘટના માર્થોમા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં રવિવારે ઘટી. પરંતુ એક યુવતીના પિતાએ FIR કરાવી જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી. વિદ્યાર્થિનીનું કહેવું છે કે તેને બ્રા ઉતારવાની ના પાડી તો, તપાસ કરતી મહિલા કર્મચારીએ કહ્યું કે તમને એક્ઝામમાં બેસવા નહીં દેવામાં આવે.
મીડિયા રિપોટ્સ મુજબ એક અન્ય યુવતીને તો પોતાનું જીન્સ ઉતારવાનું કહેવામાં આવ્યું કેમકે તેમાં મેટલના બટન અને ઝિપ હતી. છાત્રાઓના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ પરીક્ષા આપીને બહાર નીકળી તો તેમને તમામ અંડરગાર્મેન્ટ્સ એક ડબ્બામાં એકસાથે ફેંકાયેલી હાલતમાં મળ્યા. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે એક્ઝામ સેન્ટર પર લગભગ 90% છાત્રાઓને પોતાના ઈનરવેર કાઢવા પડ્યા હતા.
જો કે ઈન્સ્ટિટ્યૂટે આવી ઘટનાનો ઈનકાર કરી દીધો. તો કોલ્લમ પોલીસના ચીફ કેબી રવિએ કેસ દાખલ થયો હોવાની પુષ્ટિ કરી છે. પોલીસને લખેલા ફરિયાદ પત્રમાં પિતાએ કહ્યું કે તેમની દીકરીએ ઈનરવિયરથી ભરેલો એક રૂમ જોયો હતો. એક્ઝામ સેન્ટર પર અનેક યુવતીઓ રડી રહી હતી અને માનસિક અત્યાચાર થયો હોવાનું અનુભવી રહી હતી.