જયપુર, 6 એપ્રિલ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની મેચ નંબર-19માં, રાજસ્થાન રોયલ્સ (RR) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો કરશે. મેચમાં RCBએ રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી વિરાટ કોહલીએ અણનમ 113 રન બનાવ્યા હતા. કોહલીએ 67 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની આઈપીએલ કારકિર્દીની આ આઠમી સદી હતી. કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા સ્થાને ક્રિસ ગેલ છે જેણે છ સદી ફટકારી હતી.
પહેલી વિકેટ માટે 125 રનની ભાગીદારી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી RCBને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ તરફથી શાનદાર શરૂઆત મળી હતી. કોહલી અને ડુ પ્લેસિસ વચ્ચે 14 ઓવરમાં 125 રનની ભાગીદારી થઈ હતી. કોહલીએ રિયાન પરાગની બોલ પર સિક્સર ફટકારીને 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ડુપ્લેસિસે 33 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ બાદ આરસીબીએ ગ્લેન મેક્સવેલ અને સૌરવ ચૌહાણની વિકેટ પણ સસ્તામાં ગુમાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ મુકાબલો બંને ટીમો વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે આરસીબીએ પોતાના સંયોજનમાં મોટો ફેરફાર કર્યો છે. અનુજ રાવતની જગ્યાએ સૌરવ ચૌહાણને પ્લેઇંગ-11માં તક મળી છે. અનુજના આઉટ થવાના કારણે આ મેચમાં દિનેશ કાર્તિક વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે તેમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો નથી.