થરાદમાં સિગ્નેચર ડ્રાઇવ : પાલનપુરમાં સિનેમાગૃહની ટિકિટો પર મતદાન જાગૃતિ સંદેશ
- સ્વીપ એક્ટિવિટીઝ દ્વારા અંતરિયાળ વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી મતદાર જાગૃતિ અભિયાન
પાલનપુર 6 એપ્રિલ 2024 : લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ એક્ટિવિટીઝ અંતર્ગત છાત્રોથી લઈને વડીલ મતદારો સુધી, ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધીના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.
જે અંતર્ગત ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે પત્રિકાઓ, ટી શર્ટ, સંકલ્પ પત્રોનું વિતરણ, વહીવટી કાગળો ઉપર સ્ટેમ્પ લગાવવા, સેલ્ફી પોઈન્ટ્સ, ફ્લેશ મોબ, વોલ પેન્ટિંગ, કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂંક, સિગ્નેચર ડ્રાઇવ, શાળાઓમાં નિબંધ, ચિત્ર, વકતૃત્વ, રંગોળી, પોસ્ટર, ક્વિઝ, મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધા જેવી પ્રવૃતિઓ દ્વારા ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે.
થરાદ સ્વીપ ટીમ દ્વારા શહેરમાં સિગ્નેચર કેમ્પેન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત થરાદ બસ સ્ટેશન વિસ્તારમાં સહી ઝુંબેશ દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લાની વિવિધ સ્વીપ ટીમ દ્વારા 10% મહિલા મતદાનમાં તફાવત ધરાવતા બૂથની મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ સહિત પાલનપુર સુર મંદિર સિનેમા ગૃહની ટિકિટ ઉપર મતદાન જાગૃતિ અંગેના ટૂંકા મેસેજના પ્રચાર પ્રસાર દ્વારા ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : આણંદઃ દવાના બિલ પર સ્ટેમ્પ લગાવી મતદારોને જાગૃત કરવાનું અનોખું અભિયાન